સ્પોર્ટસ

પાકિસ્તાનમાં નવું નાટકઃ ક્રિકેટ બોર્ડે ટેસ્ટના હેડ-કોચ અઝહર મહમૂદને તગેડી મૂક્યો

લાહોરઃ 1997થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ પેસ બોલિંગ ઑલરાઉન્ડર અઝહર મહમૂદ (AZHAR MAHMOOD)ને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મોવડીઓએ ટેસ્ટ ટીમના હેડ-કોચ તરીકેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થાય એ પહેલાં જ તેના હોદ્દા પરથી તગેડી મૂક્યો છે.

50 વર્ષના મહમૂદ સાથે પીસીબીનો કરાર માર્ચ, 2026 સુધીનો હતો, પણ તેને વહેલો હટાવી નાખવામાં આવ્યો છે. પાકિસ્તાનની આગામી ટેસ્ટ-સિરીઝ માર્ચ, 2026 સુધી નથી એટલે તેને વહેલો છૂટો કરી દેવામાં આવ્યો છે.

આપણ વાચો: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરફરાઝને પાકિસ્તાન-એ અને અંડર-19 ટીમની સોંપી જવાબદારી…

પીસીબીની નજીકના સૂત્રોએ એવું જણાવ્યું હોવાનું મનાય છે કે પાકિસ્તાનની આગામી ટેસ્ટ શ્રેણીને હજી ત્રણ મહિના બાકી છે એટલે નવો ટેસ્ટ હેડ-કોચ નીમવા માટે બોર્ડ સારું પ્લાનિંગ કરી શકશે.

મહમૂદ થોડા વર્ષોથી ઇંગ્લૅન્ડમાં રહે છે. તે ઘણા સમયથી પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ સાથે સંકળાયેલો છે. જોકે પીસીબીએ હવે નવો કોચ શોધવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનની માર્ચ, 2026 પછીની ટેસ્ટ સિરીઝો બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડ સામે રમાવાની છે.

2024માં પીસીબીએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પી સાથેના સંબંધો કાપી નાખ્યા ત્યાર પછી મહમૂદની પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અકીબ જાવેદને પણ વચગાળાના કોચ તરીકે નીમ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button