સ્પોર્ટસ

પીસીબીએ ત્રણ પૂર્વ ખેલાડીઓને ચીફ સિલેક્ટર વહાબ રિયાઝના સલાહકાર બનાવ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને નવા પસંદ કરાયેલા મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. વાસ્તવમાં પીસીબીએ ટીમના પૂર્વ ડાબોડી બેટ્સમેન સલમાન બટ્ટ, વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ અને ઝડપી બોલર રાવ ઈફ્તિખાર અંજુમની વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિમણૂક કરી છે.

સલમાન બટ્ટ પર આઇસીસીએ ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આઈસીસીએ ૨૦૧૧માં સલમાન બટ્ટ પર સ્પોટ ફિક્સિંગનો દોષીત સાબિત થવા પર ૧૦ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ત્યારબાદ તેના પરનો પ્રતિબંધ ઘટાડીને પાંચ વર્ષનો કરવામાં આવ્યો હતો. બટ્ટ ૨૦૧૦માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ફિક્સિંગનો દોષિત સાબિત થયો હતો, જેના માટે તેને ૩૦ મહિનાની જેલની સજા ભોગવવી પડી હતી.

કામરાન અકમલ અને રાવ ઈફ્તિખાર અંજુમ પાકિસ્તાન માટે પસંદગીકારોની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં પીસીબી દ્વારા અકમલને જૂનિયર પસંદગી સમિતિનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે પીસીબીએ પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને રાષ્ટ્રીય ટીમનો વચગાળાનો મુખ્ય પસંદગીકાર બનાવ્યો હતો. આફ્રિદીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પસંદગી સમિતિમાં રાવ ઈફ્તિખાર અંજુમ અને અબ્દુલ રઝાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button