પાકિસ્તાન બરાબરનું ફસાયું: ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી હટી જશે તો કરોડોનું નુકસાન, કોર્ટમાં કેસ અને સંપૂર્ણ બહિષ્કાર
દુબઈ/કરાચીઃ આગામી ફેબ્રુઆરી-માર્ચની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીના મામલે જે મડાગાંઠ છે એનો સીધો ઉકેલ ન લાવવાને બદલે પરિસ્થિતિને વધુ ગૂંચવી નાખનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) જો આ ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય લેશે તો એણે કરોડો રૂપિયાની મહેસૂલી આવક તો ગુમાવવી જ પડશે, આંતરરાષ્ટ્રીય અદાલતમાં એણે ગંભીર કેસનો સામનો પણ કરવો પડશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર પણ થઈ શકે એમ છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ઇવેન્ટ્સના આયોજન કરવા સાથે સંકળાયેલા વરિષ્ઠ વહીવટકર્તાએ પીટીઆઇને બુધવારે જણાવ્યું હતું કે આઇસીસી અને ભારતીય ક્રિકેટ ક્નટ્રોલ બોર્ડ (અર્થાત બીસીસીઆઇ) જો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મૉડેલ અપનાવવાનો અંતિમ નિર્ણય લઈ લેશે તો આ ટૂર્નામેન્ટમાંથી હટી જવું પાકિસ્તાન માટે જરાય આસાન નહીં હોય, કારણકે એણે મસમોટું નુકસાન વહોરી લેવું પડશે. આઇસીસીના આ અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે
પાકિસ્તાને પોતાને ત્યાં ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાન બનવા વિશે આઇસીસી સાથે કરાર તો કર્યા જ છે, આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર બીજા તમામ દેશોની માફક પોતે પણ આઇસીસી સાથે મેમ્બર્સ મૅન્ડેટરી પાર્ટિસિપેશન ઍગ્રીમેન્ટ (એમપીએ) પર પણ હસ્તાક્ષર કર્યા છે. જે મેમ્બર-રાષ્ટ્રએ આઇસીસી સાથે ટૂર્નામેન્ટ વિશેના એમપીએ પર સહીસિક્કા કર્યા હોય એ રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડને આઇસીસીની સ્પર્ધાઓમાં થતી કમાણીમાંનો અમુક હિસ્સો (કરોડો રૂપિયા) મળે છે. બીજું, આઇસીસીએ તમામ ટૂર્નામેન્ટો માટે પ્રસારણના હકો ખરીદનાર બ્રૉડકાસ્ટર સાથે પણ કરાર કર્યા છે જેમાં આઇસીસીએ એ બ્રૉડકાસ્ટરને ખાતરી આપી છે કે એનું દરેક મેમ્બર-રાષ્ટ્ર ચૅમ્પિયન્સ ટ્રોફી સહિતની તમામ મોટી આઇસીસી સ્પર્ધાઓમાં ભાગ લેશે.’
ગયા મહિને આઇસીસીને ચૅમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મૉડેલ પર યોજવા સંબંધમાં જરૂરી મંજૂરી મળી ગઈ હતી જે મુજબ ભારતની મૅચો પાકિસ્તાનને બદલે દુબઈમાં રમાશે. આ ઍગ્રીમેન્ટ 2027ના વર્ષ સુધીની તમામ આઇસીસી ટૂર્નામેન્ટોને લાગુ પડશે. જોકે એની સત્તાવાર જાહેરાત હજી નથી કરવામાં આવી.
આ પણ વાંચો : ચૅમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં દાઉદનું નામ કેમ? ભારતને `ધમકી’, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટને ઝેર ઓક્યું…
હા, આ ઍગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપીને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે એનો મતલબ એ થશે કે 2027 સુધી તમામ આઇસીસી ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન પણ પોતાની ક્રિકેટ ટીમને ભારત મોકલવા બંધાયેલું નહીં રહે.
જોકે પાકિસ્તાન ભારતની તરફેણ કરતા હાઇબ્રિડ મૉડેલને અપનાવવા તૈયાર નહીં થાય તો આઇસીસી ઉપરાંત આઇસીસી એક્ઝિક્યૂટિવ બોર્ડમાંના અન્ય તમામ 16 મેમ્બર-રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય અદાલતમાં પાકિસ્તાનની વિરુદ્ધ કેસ કરી શકશે.
બ્રૉડકાસ્ટર પણ આવા જ માર્ગે જઈ શકશે, કારણકે પાકિસ્તાનની ચૅમ્પિયન્સ ટ્રોફીમાંની એક્ઝિટને લીધે તમામ લાગતાવળગતા સ્ટેકહોલ્ડર્સને નુકસાન થશે. ટૂંકમાં, હાઇબ્રિડ મૉડેલને અવગણી રહેલા પાકિસ્તાનને અન્ય મેમ્બર-રાષ્ટ્રોનો કોઈ જ ટેકો નથી.
1996માં ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે વન-ડેના વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું અને ત્યાર બાદ યજમાન તરીકે પાકિસ્તાનની આ (ચૅમ્પિયન્સ ટ્રોફી) પહેલી જ મોટી ટૂર્નામેન્ટ છે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2017ની સાલ બાદ (સાત વર્ષે) પહેલી વાર યોજાવાની છે.