
મુલ્લાનપુર: ક્રિકેટ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇપીએલમાં સૌથી વધુ મૅચ રમવી એ અપ્રતિમ સિદ્ધિ કહેવાય અને એ કીર્તિમાન ચેન્નઈ સુપર કિંગ્સના લેજન્ડ એમએસ ધોનીના નામે છે. જોકે મુંબઈ ઇન્ડિયન્સનો રોહિત શર્મા પણ કંઈ કમ નથી. ધોની પછી હવે તે પણ આજે (સાંજે 7.30 વાગ્યાથી લાઈવ) મુલ્લાનપુરમાં 250મી મૅચ રમવા જઈ રહ્યો છે.
આજે મુંબઈની પંજાબ કિંગ્સ સામે મૅચ છે. બન્ને ટીમના ચાર-ચાર પોઇન્ટ છે 2023ની ગુજરાત ટાઇટન્સ સામેની આઈપીએલની ફાઈનલ (જે જીતીને ચેન્નઇ પાંચમું ટાઈટલ જીત્યું હતું) ધોનીની વિક્રમજનક 250મી મૅચ હતી. રવિવારે વાનખેડેમાં ધોની આઈપીએલમાં કુલ 256મી અને વિકેટકીપર તરીકે 250મી મૅચ રમ્યો હતો. 2008′-09 દરમ્યાન ધોની છ મૅચ માત્ર ફીલ્ડર તરીકે રમ્યો હતો અને તેના સ્થાને પાર્થિવ પટેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. ધોની સીએસકે અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વતી કુલ મળીને 256 મૅચ રમ્યો છે.
ફરી 250મી મૅચની વાત પર આવીએ તો રોહિત આજે આઈપીએલમાં 250 મૅચ રમનારો ધોની પછીનો બીજો જ ખેલાડી બનશે. બેન્ગલૂરુના દિનેશ કાર્તિકની 249 મૅચ થઈ ચૂકી છે. રોહિત મુંબઈ ઇન્ડિયન્સ અને ડેકકન ચાર્જર્સ વતી કુલ મળીને 249 મૅચ રમ્યો છે.
2023ની ગુજરાત સામેની ફાઈનલ ચેન્નઇને જિતાડીને ધોનીએ પોતાની 250મી મેચને યાદગાર બનાવી એમ આજે રોહિત મુંબઈને પંજાબ કિંગ્સ સામે વિજય અપાવીને અથવા જીતનો સાક્ષી બનીને 250મી મૅચને અવિસ્મરણીય બનાવી શકે. મુલ્લાનપુરની પિચ પર રનનો ઢગલો થઈ શકે એમ છે. આ આઈપીએલમાં 200-પ્લસ ટીમ-સ્કોરનો ટ્રેન્ડ ચાલે છે એટલે આજે પ્રથમ બૅટિંગ કરનારી ટીમ પણ એમાં જોડાશે તો નવાઈ નહીં લાગે.
રોહિતના આ આઈપીએલમાં 261 રન છે. અગાઉ ક્યારેય તેણે એક સીઝનની પહેલી છ મૅચમાં આટલા રન નહોતા બનાવ્યા. જોકે પંજાબનો કેગિસો રબાડા રાઈટ હેન્ડ બેટર્સને વધુ ભારે પડ્યો હોવાથી રોહિતે અને સૂર્યકુમાર યાદવે ખાસ સંભાળવું પડશે. રબાડાએ આ વખતે નવમાંથી સાત વિકેટ રાઈટ હેન્ડ બેટર્સની લીધી છે. પંજાબનો મૂળ કેપ્ટન શિખર આજે પણ ઈજાને લીધે કદાચ નહીં રમે તો મુંબઈને એનો ફાયદો મળી શકે.
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન આવી હોઈ શકે:
મુંબઈ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી/નુવાન થુશારા, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ, જેરાલ્ડ કોએટઝી. (12મો પ્લેયર) આકાશ મઢવાલ.
પંજાબ: સૅમ કરેન (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), અથર્વ ટેઇડ, જોની બેરસ્ટો/રાઇલી રોસોઉ, પ્રભસિમરન સિંહ, લિઆમ લિવિંગસ્ટન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કેગિસો રબાડા, અર્શદીપ સિંહ. (12મો પ્લેયર) આશુતોષ શર્મા.