મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં પવાર-શેલારની જોડી વિજેતા, વર્ચસ્વ જાળવી રાખ્યું

મુંબઈ: મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)ની બહુચર્ચિત ચૂંટણીમાં એનસીપીના ચીફ તથા આઈસીસીના ભૂતપૂર્વ ચેરમૅન શરદ પવાર અને મુંબઈ ભાજપના નેતા આશિષ શેલારની જોડીએ ફરી વિજય મેળવ્યો છે.
ઍપેક્સ (Apex) કાઉન્સિલની આ ચૂંટણીમાં આ જોડીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ટેકો હતો.
અજિંકય નાઈક ફરી પ્રમુખ બન્યા છે
આ અઠવાડિયે શરદ પવારના સપોર્ટ સાથે અજિંકય નાઈકે એમસીએનું પ્રમુખપદ જાળવી રાખ્યું હતું અને હવે અન્ય હોદ્દેદારોની ચૂંટણીમાં પવાર-શેલારની જોડીએ વિજય મેળવ્યો છે. અજિંકય નાઈક પ્રમુખપદ પર બિનહરીફ ચૂંટાયા હતા.
કેટલા માર્જિનથી વિજય, સેક્રેટરી કોણ
પવાર-શેલારની જોડીએ 16માંથી 12 હોદ્દા માટેની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી એમાં સેક્રેટરી, ઉપ-પ્રમુખ તેમ જ ખજાનચીના હોદ્દાનો સમાવેશ હતો. સેક્રેટરીના પદ માટેની ચૂંટણીમાં ડૉ. ઉન્મેશ ખાન્વીલકરે શાહઆલમ શેખને 227-129ના માર્જિનથી હરાવ્યા હતા.
ખજાનચીના હોદ્દે કોણ
ઉપ-પ્રમુખપદ માટેની ચૂંટણીમાં એનસીપી (શરદ પવાર જૂથ)ના એમએલએ અને પવારના વિશ્વાસુ નેતા જીતેન્દ્ર આવ્હાડે નવીન શેટ્ટીને 201-155ના તફાવતથી હરાવ્યા હતા. અરમાન મલિકે ખજાનચીનો હોદ્દો જાળવી રાખ્યો હતો. તેમણે સુરેન્દ્ર શેવાળેને 234-119ના માર્જિનથી પરાજિત કર્યા હતા. જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા માટેના ઇલેક્શનમાં નીલેશ ભોંસલેનો પવાર-શેલારના ટેકાવાળા ગૌરવ પય્યાડે સામે 228-128ના તફાવતથી વિજય થયો હતો. કાઉન્સિલના એક મેમ્બર તરીકે શિવસેના (યુબીટી)ના સેક્રેટરી મિલિંદ નાર્વેકર ફરી ચૂંટાયા હતા.
નામાંકિત મતદારોમાં કોણ કોણ હતા
કુલ 375માંથી 362 મતદારોએ વોટ આપ્યા હતા જેમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટનો સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર, સચિન તેંડુલકર તેમ જ ડાયના એદલજીનો સમાવેશ હતો. અન્ય જાણીતા મતદારોમાં અજિત આગરકર, સંજય માંજરેકર, ઝહીર ખાન, નીલેશ કુલકર્ણી, પારસ મ્હામબ્રે, જતીન પરાંજપે તેમ જ ખુદ શરદ પવાર તથા શેલાર, આદિત્ય ઠાકરે, રામદાસ આઠવલે તથા નાના પટોળે સામેલ હતા.



