પઠાણ બંધુઓએ અનોખી રીતે સેલિબ્રેટ કરી પાકિસ્તાન સામેની જીત

બર્મિંગહૅમ: ભારત જ્યારે પણ કટ્ટર દુશ્મન પાકિસ્તાનની ક્રિકેટ ટીમને હરાવે ત્યારે ભારતીય ખેલાડીઓમાં આનંદનો અનેરો ઉન્માદ જોવા મળતો હોય છે. પછી ભલે એ મુકાબલો બે નૅશનલ ટીમ વચ્ચે હોય કે પીઢ ખેલાડીઓની ટીમ વચ્ચે. નૅશનલ ટીમની બાબતમાં આપણે ગયા વર્ષે ઑક્ટોબરમાં અમદાવાદમાં જોઈ જ ગયા. ત્યારે રોહિત શર્માના સુકાનમાં ભારતે બાબર આઝમની ટીમને વન-ડે વર્લ્ડ કપની મૅચમાં કચડીને એનું નાક કાપ્યું હતું. શનિવારે ભારતે એવું જશન ઇંગ્લૅન્ડમાં મનાવ્યું જેમાં યુવરાજ સિંહના સુકાનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે યુનુસ ખાનના પાકિસ્તાન ચૅમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યુુસીએલ)ની પહેલી ટ્રોફી જીતી લીધી હતી. આ વિજયને વડોદરાના પઠાણ બંધુઓ ઇરફાન અને યુસુફે અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો.
ઇન્ડિયા ચૅમ્પિયન્સનો પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે પાંચ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી વિજય થયો હતો. ઇરફાન પઠાણે તન્વીરની 20મી ઓવરના પ્રથમ બૉલમાં વિનિંગ રન ફટકાર્યો હતો.
આ પણ વાંચો : ઇરફાન પઠાણે યુનિસને 2006ની સાલ જેવા જ બૉલમાં આઉટ કરી દીધો! પાકિસ્તાની કૅપ્ટનના હોશકોશ ઉડાડી દીધા
ઇરફાને વિનિંગ રન ફટકાર્યો કે તરત જ તેનો મોટો ભાઈ યુસુફ મેદાન પર દોડી ગયો હતો અને તેને ભેટી પડ્યો હતો. ઇરફાને મોટા ભાઈને ઊંચકી લીધો હતો. બન્ને ભાઈઓએ જીતની ખુશાલીમાં તિરંગો માથે ઓઢી લીધો હતો અને પાકિસ્તાની ખેલાડીઓની સામે અનોખી રીતે જીત સેલિબ્રેટ કરી હતી.
આ ફાઇનલ બાદ યુસુફ પઠાણને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 55.25ની સરેરાશે 221 રન બનાવ્યા હતા. જોકે ભારતીયોમાં રૉબિન ઉથપ્પાના 225 રન પછી તેના 221 રન બીજા સ્થાને હતા. યુસુફે કેટલીક મૅચોમાં કટોકટીના સમયે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો. યુસુફને બે મૅચમાં બોલિંગ મળી હતી અને તેણે એક વિકેટ લીધી હતી.