સુમિત અંતિલે રચ્યો ઇતિહાસ, ભારતનો પહેલો એવો ઍથ્લીટ બન્યો જેણે…

પૅરિસ: દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં સુમિત અંતિલે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. પૅરાલિમ્પિક્સનો તે એવો પ્રથમ ભારતીય પુરુષ ઍથ્લીટ છે જેણે બૅક ટુ બૅક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઉપરાઉપરી બે પૅરાલિમ્પિક્સ સુવર્ણ ચંદ્રક જીતનાર તે ભારતનો પ્રથમ પુરુષ ઍથ્લીટ છે જેણે ભાલાફેંકમાં આ સિદ્ધિ મેળવી છે.
તેણે દિવ્યાંગો માટેની એફ-64 કેટેગરીમાં આ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ અગાઉ ભારતના એકેય દિવ્યાંગ ઍથ્લીટે નહોતી મેળવી.
પૅરાલિમ્પિક્સમાં એક કરતાં વધુ ગોલ્ડ મેડલ જીતનાર તે દેવેન્દ્ર ઝાઝરીયા પછીનો બીજો ભારતીય ઍથ્લીટ બન્યો છે. ઝાઝરીયા 2004 અને 2016ની પૅરાલિમ્પિક્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ જીત્યો હતો. સુમિત 2021ની ટોક્યો ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
મહિલાઓમાં અવનિ લેખરા એવી પ્રથમ ભારતીય ઍથ્લીટ છે જેણે ઉપરાઉપરી બે પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ભાલો 73.29 મીટર દૂર ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ સુમિત અંતિમના નામે છે. સોમવારે તે પોતાનો આ વિશ્વવિક્રમ તોડી નહોતો શક્યો, પરંતુ પૅરાલિમ્પિક્સમાં 68.55 મીટરનો પોતાનો જે રેકોર્ડ હતો એ તેણે બે પ્રથમ થ્રોમાં (69.11 મીટર અને 70.59 મીટર) પાર કર્યો હતો.
સોમવારે સુમિતના ગોલ્ડ મેડલ સહિત ભારતના ખાતે કુલ 14 મેડલ થઈ ગયા હતા, જેમાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને છ બ્રોન્ઝ હતા.