સ્પોર્ટસ

નાનપણમાં પાણીથી ડરતી સ્વિમર ધિનિધી પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની યંગેસ્ટ સ્પર્ધક

પૅરિસ: 14 વર્ષની સ્વિમર ધિનિધી દેસિંઘુ નાનપણમાં પાણીથી ખૂબ ડરતી હતી અને આજે તે પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સૌથી યુવા ઍથ્લીટ તરીકે ભાગ લઈ રહી છે. કર્ણાટકની ધિનિધી બેંગ્લૂરુની કેન્દ્રિય વિદ્યાલયમાં નવમા ધોરણમાં ભણે છે. 2022માં ચીનની એશિયન ગેમ્સમાં પણ ભારતની યંગેસ્ટ ઍથ્લીટ તરીકે ભાગ લઈ ચૂકેલી આ સ્વિમર પૅરિસમાં 200 મીટર ફ્રીસ્ટાઈલ ઇવેન્ટમાં ભારતને મેડલ અપાવવા મક્કમ છે.

ધિનિધી 2013માં ત્રણ વર્ષની હતી અને ત્યારે ખૂબ શરમાળ અને ડરપોક હતી તેમ જ પરિવાર સિવાયની કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા ડરતી હતી. આજે તે તેના કોચ સાથે પૅરિસ ગઈ છે અને ઑલિમ્પિક વિલેજમાં અન્ય ઍથ્લીટો સાથે એકદમ ભળી ગઈ છે. નાનપણમાં સ્વિમિંગ પૂલના પાણીમાં પગ બોળતા કે ડૂબકી મારતા પણ ડરતી ધિનિધી હવે રોજ પ્રેકટિસ માટેના પૂલમાં અનેક ડાઇવ મારે છે અને ઑલિમ્પિક્સ ક્યારે શરૂ થાય એની રાહ જોઈ રહી છે.

દીકરીમાંથી ડર કાઢવા તેના મમ્મી-પપ્પા (જેસિથા અને દેસિંઘુ)એ 2014ની સાલમાં તેને સ્પોર્ટ્સમાં મોકલવાનું નક્કી કર્યું હતું. ધીમે ધીમે તેનામાંથી પાણીનો ડર દૂર થતો ગયો. તેના પૅરેન્ટ્સ તેને ઘરની નજીકના સ્વિમિંગ પૂલમાં લઈ જતા અને પહેલાં પોતે પૂલમાં ડૂબકી લગાવતા અને પછી દીકરીને પણ પૂલમાં બોલાવી લેતા અને એ રીતે તેને તરવાનું તેમ જ ડાઇવ મારવાનું તેમણે શીખવ્યું હતું. ધિનિધીમાં સ્વિમિંગની ભરપૂર ટેલન્ટ તેમણે પારખી લીધી અને તેને તાલીમ અપાવવાનું નક્કી કર્યું હતું.
ધીમે ધીમે ધિનિધીમાંથી પાણીનો ડર નીકળતો ગયો અને તે એક પછી એક હરીફાઈમાં ભાગ લેતી થઈ. ૧૦૦ મીટર ફ્રીસ્ટાઈલ અને ૨૦૦ મીટર ફ્રીસ્ટાઈલમાં તેણે અનેક મેડલ મેળવ્યા છે. તે વિદેશની હરીફાઇઓ જીતી છે તેમ જ ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ મેડલ સહિતના ચંદ્રકો જીતી છે.

થોડા વર્ષ પહેલાં કર્ણાટક રાજ્યની એક સ્વિમિંગ ઇવેન્ટ વખતે ધિનિધીને થયેલો અનુભવ તેની કરીઅરનો ટર્નિંગ પોઇન્ટ હતો. ઇવેન્ટના સ્થળ સુધી બસમાં ટ્રાવેલ કર્યા બાદ ધિનિધીને તેમ જ તેની મમ્મી જેસિથાને મૉશન સિકનેસને લીધે વારંવાર વૉમિટ થઈ હતી. ધિનિધી ડરી ગઈ હતી અને પૅરેન્ટ્સને કહી દીધું કે હું હરીફાઈમાં ભાગ નહીં લઉં. જોકે તેના પૅરેન્ટ્સ તેને સ્વિમિંગ પૂલ પાસે લઈ ગયા હતા. ધિનિધીએ પૂલની ફરતે એક ચક્કર લગાવ્યા બાદ પાછા આવીને પૅરેન્ટ્સને કહ્યું કે હું હરીફાઈમાં ભાગ લઈશ.

એ હરીફાઈમાં ધિનિધી ગોલ્ડ મેડલ જીતી અને ત્યાર પછી તેનામાંથી પાણીનો ડર સાવ નીકળી ગયો હતો. ત્યાર પછી તેને ક્યારેય વૉમિટ નથી થઈ અને તાવ પણ નથી આવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button