મનુ ભાકરે Paris Olympicsના શૂટિંગમાં રચ્યો ઇતિહાસ
મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની

પૅરિસ: ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સ (Paris Olympics)માં ત્રીજા સ્થાને આવતા બ્રૉન્ઝ મેડલ જીતી છે. એ સાથે તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે.
મનુ ભાકર ઑલિમ્પિક ગેમ્સમાં શૂટિંગની હરીફાઈમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. મનુ ભાકર છેલ્લા રાઉન્ડમાં 0.1 પૉઇન્ટ માટે સિલ્વર મેડલ ચૂકી ગઈ હતી.
પૅરિસ ઑલિમ્પિકમાં પ્રથમ મેડલ પણ મનુના હાથે મળ્યો છે. એ સાથે, ભારતનું નામ મેડલ-વિજેતા દેશોની યાદીમાં આવી ગયું છે. તે શનિવારે જ 10 મીટર ઍર પિસ્તોલની હરીફાઈમાં ફાઇનલમાં પહોંચી હતી અને રવિવારે ફાઇનલમાં તેણે હરીફોને ખૂબ ટક્કર આપી હતી.
મનુ ભાકરે કુલ મળીને 221.7 શૉટ્સ સાથે થર્ડ-બેસ્ટ સ્કોર નોંધાવ્યો હતો જે ત્રીજા નંબર પર હતો. સાઉથ કોરિયાની જિન યે ઓહ (243.2) પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ અને સાઉથ કોરિયાની જ યેજી કિમ (241.3) બીજા સ્થાને રહેતા સિલ્વર મેડલ જીતી હતી.
2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મનુ ભાકર ત્રણ ઇવેન્ટની ફાઇનલમાં નહોતી પહોંચી શકી. હરિયાણાની મનુ ભાકરે 2017માં ઇન્ટરનૅશનલ શૂટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.