વિનેશ ફોગાટના કેસનો ફેંસલો લંબાતો જ જાય છે, હવે નવી તારીખ છે…
પૅરિસ: રેસલર વિનેશ ફોગાટને જોઇન્ટ સિલ્વર મેડલ મળી શકશે કે કેમ અને ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા છથી વધીને સાત થશે કે કેમ એ માટે હજી બે દિવસ રાહ જોવી પડશે.
કારણ એ છે કે ફોગાટના ફાઇનલમાંના ડિસ્ક્વૉલિફિકેશનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એમાં ફોગાટની અપીલ પરનો ચુકાદો બુધવાર, 13મી ઑગસ્ટ પર મોકૂફ રાખવામાં આવ્યો છે. શનિવારે જાહેરાત કરાઈ હતી કે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ) આ કેસમાં ફેંસલો રવિવારે જાહેર કરાશે, પણ પછીથી નવી જાહેરાત થઈ હતી કે બુધવારે (ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે) અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.
આ કેસ વિનેશ ફોગાટ વિરુદ્ધ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) અને ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)નો છે. ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ) વતી ફોગાટના વકીલો ઉપરાંત જાણીતા ધારાશાસ્ત્રી હરીશ સાળવે આ કેસ લડી રહ્યા છે.
આ પણ વાંચો : વિનેશ ફોગાટના ફેંસલાની ઘડી નજીક આવી ગઈ!
ફોગાટની 50 કિલો ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં ફાઇનલ હતી એના ગણતરીના કલાકો પહેલાં તેનું વજન 100 ગ્રામ હોવાનું જણાતાં તેને ગોલ્ડ મેડલ મુકાબલામાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી.
ફોગાટે ફાઇનલ પહેલાં મોટા અપસેટ રચ્યા હતા. ફોગાટ ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી જાપાનની યુઇ સુસાકીને તેમ જ યુરોપિયન ચૅમ્પિયન ઑસ્કાના લિવાચને અને ક્યૂબાની પૅન-અમેરિકન ચૅમ્પિયન યુસ્નેલિસને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. જાપાનની સુસાકી એ રેસલર હતી જે અગાઉ કરીઅરના તમામ 82 બાઉટમાં ક્યારેય હારી નહોતી, પણ ફોગાટ સામે તેણે ઝૂકવું પડ્યું હતું.
જોકે ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવતાં ક્યૂબાની યુસ્નેલિસને સીધો ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો જેમાં અમેરિકાની સારા હિલ્ડેબ્રૅન્ડ્ટ સામે તે હારી ગઈ હતી. સારા ગોલ્ડ જીતી, યુસ્નેલિસને સિલ્વર મળ્યો અને જાપાનની સુસાકીએ લિવાચને હરાવતાં સુસાકી બ્રૉન્ઝ મેડલિસ્ટ બની હતી.
ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલ વિજેતા બનાવવા માટેની અપીલ કરી છે.