કુસ્તીબાજ વિનેશ ફોગાટ પરનો ચુકાદો ફરી મોકૂફ: હવે આ તારીખે…

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સની કુસ્તીબાજ વિનેશ ફોગાટ પરનો ચુકાદો ફરી મુલતવી રાખવામાં આવ્યો છે. તેને જોઇન્ટ સિલ્વર મેડલ આપવો કે તેની અપીલ ફગાવી દેવી એ વિશેનો ફેંસલો 16મી ઑગસ્ટે રાત્રે 9.30 વાગ્યે અપાશે, એવું મંગળવારે મોડી રાતે જાહેર કરાયું હતું.
કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓને ઘણા દિવસોથી જે ફેંસલાનો ઇન્તેજાર હતો એ ફરી મોકૂફ રખાયો છે.
એક તરફ ફોગાટે ઑલિમ્પિક વિલેજ છોડીને ભારત આવવાની તૈયારી કરી હતી ત્યાં બીજી બાજુ કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)માં તેના કેસ પરની સુનાવણી પછી આ ચુકાદો આવવાનો હતો.
50 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગ કુસ્તીની ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા બાદ ફોગાટે કમસે કમ તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે એવી માગણી કરી હતી.
આ પણ વાંચો : PM Modi 15 ઓગસ્ટે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીય એથલીટો સાથે મુલાકાત કરશે
ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય થયા પછી તેણે કોઈની પણ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.
20 વર્ષીય ફોગાટ ઑલિમ્પિક ગેમ્સમાં મહિલા કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર છે. કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રણ વખત ચૅમ્પિયન બનેલી ફોગાટે 50 કિલો વજન કૅટેગરીની ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને એમાં તેનું વજન 100 ગ્રામ વધુ જણાતાં તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી. તેણે આ ડિસ્ક્વૉલિફિકેશન બાદ રેસલિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
તેણે પોતાની વિરુદ્ધમાં અપાયેલા નિર્ણય સામેની અપીલ બાદ સીએએસ સમક્ષ સુનાવણીમાં કહ્યું હતું કે ‘મેં મારા વજનની બાબતમાં કોઈ પ્રકારની છેતરપિંડી નહોતી કરી. મારા શરીરના વજનમાં જે 100 ગ્રામ વધુ વજન બતાવાયું એ માત્ર શારીરિક પ્રક્રિયાના ભાગરૂપે જ વધ્યું હતું.’
ફોગાટ પ્રથમ દિવસે ત્રણ બાઉટમાં લડી હતી અને એ ઇવેન્ટ્સ પહેલાં તેણે વેઇ-ઇન ક્લિયર કર્યું હતું, પણ ફાઇનલ પહેલાંની વજનની ચકાસણીમાં તેનું વજન 100 ગ્રામ વધુ આવ્યું હતું.
ફોગાટને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)એ ગેરલાયક ઠરાવી છે. જોકે સીએએસના ન્યાયાધીશો દ્વારા યુડબ્લ્યૂડબ્લ્યૂના નીતિ-નિયમોની સમીક્ષા થઈ રહી હોવાનો પણ એક અહેવાલ મળ્યો હતો.