કોચ યુદ્ધને લીધે અઢી વર્ષ ન આવી શક્યા, સ્પર્ધકની સિદ્ધિ સાંભળીને ભાવુક થઈ ગયા
ઊંચા કૂદકામાં શરદ કુમાર સિલ્વર જીત્યો: ભારતના જ થાંગાવેલુને મળ્યો બ્રૉન્ઝ

પૅરિસ: પૅરા હાઈ જમ્પર શરદ કુમાર અઢી વર્ષથી તેના કોચને મળી નથી શક્યો, પરંતુ મંગળવારે જ્યારે તેણે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પોતે ઊંચા કૂદકાની હરીફાઈમાં સિલ્વર મેડલ જીત્યો હોવાની વાત ફોન પર તેના કોચ નિકિતીન યેવહેનને કરી ત્યારે તેઓ એ ગુડ ન્યૂઝ સાંભળીને ભાવુક થઈ ગયા હતા અને ઑલમોસ્ટ રડી પડ્યા હતા.
નિકિતીન યેવહેન યુક્રેનના છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી, 2022થી યુદ્ધ ચાલે છે અને ત્યારથી યેવહેન દેશની બહાર નથી નીકળી શક્યા.
શરદ કુમારે 2017થી 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ સુધી યેવહેન પાસે તાલીમ લીધી હતી. ટોક્યોમાં શરદ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
મંગળવારે ફાઇનલમાં શરદ કુમારે 1.88 મીટર ઊંચો કૂદકો માર્યો હતો અને બીજા સ્થાને રહ્યો હતો. અમેરિકાનો એઝરા ફ્રેચ (1.94 મીટર) ગોલ્ડ મેડલ અને ભારતનો મરિયપ્પન થાંગાવેલુ (1.85 મીટર) બ્રૉન્ઝ જીત્યો હતો.
પીટીઆઇને શરદ કુમારે કહ્યું, ‘કોચ યેવહેન મારી સફળતા સાંભળીને બેહદ ખુશ થયા હતા અને લગભગ રડી જ પડ્યા હતા. તેઓ યુદ્ધને કારણે મને રૂબરૂમાં તાલીમ નથી આપી શક્યા. હું ફિલિપીન્સમાં હતો ત્યારે મેં તેમની પાસે ઑનલાઇન ચૅટ કર્યું હતું. તેમના આશીર્વાદ અને શુભેચ્છાની મારા પર ઘણી અસર પડી છે. હું લગભગ દરરોજ ફોન પર તેમનો સંપર્ક કરી લેતો હોઉં છું.’
શરદ કુમાર બિહારનો છે. તેને નાનપણમાં મિશ્રણવાળી પોલિયોની દવાને કારણે ડાબા પગમાં પૅરેલિસિસ થઈ ગયું હતું.
ભારત મેડલ વિજેતાઓની યાદીમાં બુધવારે સાંજે ત્રણ ગોલ્ડ સહિત કુલ 21 મેડલ સાથે 19મા નંબરે હતું. જોકે શરદ કુમારના કોચનો દેશ યુક્રેન નવ ગોલ્ડ સહિત કુલ 46 ચંદ્રક સાથે નવમા સ્થાને હતો.
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
1 ચીન 56 41 23 120
2 બ્રિટન 31 20 16 67
3 અમેરિકા 24 22 11 57
4 ફ્રાન્સ 14 16 17 47
5 બ્રાઝિલ 14 12 24 50
19 ભારત 3 8 10 21