મનુ ભાકર સાથે ઑલિમ્પિક્સનો શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ કોણ છે?
પૅરિસ: હરિયાણાની શૂટર મનુ ભાકરે બે દિવસ પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સના શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી ત્યાર બાદ તેણે મંગળવારે વધુ એક બ્રૉન્ઝ મેડલ જીતીને વિશ્ર્વના આ સૌથી મોટા રમતોત્સવમાંની પોતાની સિદ્ધિને વધુ સંગીન બનાવી, પરંતુ તેણે આ બીજો મેડલ જે શીખ શૂટર સાથેની જોડીમાં મેળવ્યો તેના વિશે આપણે થોડું જાણી લઈએ….
મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સાઉથ કોરિયાની જોડીને 16-10થી હરાવીને ત્રીજું સ્થાન મેળવવાની સાથે કાંસ્યચંદ્રક જીતી લીધો હતો. ભારતીય જોડીના કુલ 261.3 પૉઇન્ટમાંથી સરબજોતના 110.2 પૉઇન્ટ હતા. આ મુકાબલા દરમ્યાન જ્યારે પણ મનુનો શૉટ 10થી ઓછો (આઠમા રાઉન્ડમાં 8.3) હતો ત્યારે સરબજોતે 10.2ના શૉટ સાથે બધુ કવર કરીને ભારતને બ્રૉન્ઝ માટેની રેસમાં જીવંત રાખ્યું હતું.
શનિવારે સરબજોત વ્યક્તિગત ઇવેન્ટમાં નવમા નંબરે આવતા મેડલ માટેની રેસમાંથી બહાર થઈ ગયો હતો. ટોચના આઠ શૂટરને આગળના રાઉન્ડમાં ક્વૉલિફાય થવા મળે છે. જોકે મનુ ભાકર સાથેની મિક્સ્ડ ઇવેન્ટમાં તેણે કમાલ કરી દેખાડી.
મનુ ભાકરની જેમ સરબજોત સિંહ પણ બાવીસ વર્ષનો છે અને હરિયાણાનો જ છે. સરબજોતની આ પહેલી જ ઑલિમ્પિક ગેમ્સ છે. તે હરિયાણાના અંબાલા જિલ્લાના ધીણ ગામના સરબજોતના પિતા જતિન્દર સિંહ ખેડૂત છે અને તેની મમ્મી હરદીપ કૌર ગૃહિણી છે. સરબજોત ચંડીગઢની ડીએવી કૉલેજમાં ભણ્યો છે અને અંબાલા કૅન્ટોન્મેન્ટની એઆર શૂટિંગ ઍકેડેમીમાં અભિષેક રાણા નામના જાણીતા કોચ પાસે તાલીમ લઈ ચૂક્યો છે.
સરબજોત 2019માં જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2023ની એશિયન ગેમ્સમાં તે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે 2023ની એશિયન ચૅમ્પિયનશિપમાં વ્યક્તિગત હરીફાઈમાં બ્રૉન્ઝ જીત્યો હતો જેને કારણે જ તેને પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા મળ્યું છે.
સરબજોતને નાનપણમાં ફૂટબૉલ રમવામાં ખૂબ રૂચિ હતી અને તે ફૂટબોલર બનવા માગતો હતો. જોકે એક દિવસ તેણે સમર કૅમ્પ દરમ્યાન કેટલાક બાળકોને પિસ્તોલથી કાગળની કેટલીક ચીજવસ્તુઓને ટાર્ગેટ બનાવતા જોયા ત્યારે તેને પણ નિશાનબાજીમાં રસ જાગ્યો હતો અને ઘરે જઈને મમ્મી-પપ્પાને વાત કરી હતી. જોકે શૂટિંગની રમતમાં કરીઅર બનાવવી ખૂબ ખર્ચાળ હોવાથી પહેલા તો તેના પપ્પાએ તેને ચોખ્ખી ના પાડી, પણ પછીથી સરબજોતે ગમે એમ કરીને પૅરેન્ટ્સને મનાવી લીધા હતા અને શૂટિંગમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે સમય જતાં વિવિધ સ્તરની હરીફાઈઓમાં મેડલ જીતતો ગયો અને હવે સર્વોચ્ચ સ્તર ગણાતી પૅરિસ ઑલિમ્પિક્સમાં ધમાલ મચાવી રહ્યો છે.