વિનેશ ફોગાટના વજન વધવા માટે જવાબદાર કોણ? પીટી ઉષાએ આપ્યું સનસનાટીભર્યું નિવેદન
પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલીંગ ઇવેન્ટની ફાઇનલમાં વિનેશ ફોગાટની કમનસીબે ગેરલાયકાતને કારણે ભારતમાં ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. સ્ટાર કુસ્તીબાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી વખતે, ભારતીય ચાહકોએ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં બેદરકારી બદલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) અને તેની તબીબી ટીમ પર પણ આંગળી ચીંધી રહ્યા છે. હવે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે વજનને નિયંત્રિત કરવાની જવાબદારી એથ્લેટ અને તેના કોચની છે. આ માટે મેડિકલ ટીમને દોષ આપવો યોગ્ય નથી.
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને 50 કિ.ગ્રા. ફ્રી સ્ટાઇલ રેસલીંગની ફાઇનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી અને આ માટે તેનું વજન નિયમ કરતા 100 ગ્રામ વધુ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ પછી વિનેશે સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલમાં સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. હવે આ મામલે 13 ઑગસ્ટના ફેંસલો લેવામાં આવશે. ફાઇનલમાંથી બહાર થઇ ગયા બાદ વિનેશે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
જોકે, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ હરિયાણાની ખાપ પંચાયતો અને કેટલાક લોકો દ્વારા IOA મેડિકલ ટીમ અને ખાસ કરીને ડૉ. દિનશા પારડીવાલા અને તેની ટીમ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ મુદ્દે IOA પ્રમુખ પીટી ઉષાએ ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે “કુસ્તી, વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો જેવી રમતોમાં ખેલાડીઓના વેઇટ મેનેજમેન્ટની જવાબદારી એથ્લેટ અને તેના કોચની છે. તેના માટે IOA મેડિકલ ટીમ કે તેની ચીફ મેડિકલ ઑફિસર કોઇ રીતે જવાબદાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે IOA મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. પારડીવાલા પ્રત્યે નફરત અસ્વીકાર્ય છે અને તેની નિંદા થવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે IOA મેડિકલ ટીમ પર આરોપ લગાવનારાઓ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ હકીકતો પર વિચાર કરશે.