જીતની ખુશીમાં ઉઝબેકિસ્તાનના કોચને હાર્ટ-અટૅક, ભારતીય ડૉક્ટર બન્યા તારણહાર
પૅરિસ: પાકિસ્તાનને ઑલિમ્પિક ગેમ્સમાં પહેલી જ વાર વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું એની ખુશીમાં (જીતના જશનમાં) પાકિસ્તાનમાં કેટલાકને તો હાર્ટ-અટૅક આવ્યા જ હશે એવું માની શકાય, પરંતુ પૅરિસમાં ઑલિમ્પિક્સ દરમ્યાન ઉઝબેકિસ્તાનની બૉક્સિંગ ટીમના હેડ-કોચ તુલકિન કિલિચેવ સાથે આવું ખરેખર બની ગયું.
ઉઝબેકિસ્તાને મુક્કાબાજીમાં ટીમ-ગોલ્ડ જીત્યો હતો. હકીકતમાં આ દેશની ટીમે બૉક્સિંગના પાંચ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. છેલ્લા 20 વર્ષમાં મુક્કાબાજીમાં ઉઝબેકિસ્તાનનો આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. આ જીતના સેલિબ્રેશનમાં કોચ તુલકિન એટલા બધા એક્સાઇટેડ થઈ ગયા હતા કે તેઓ હૃદય રોગના હુમલાનો શિકાર થયા હતા.
આ પણ વાંચો: ભારત 10 બ્રૉન્ઝ જરાક માટે ચૂક્યું, 2028 ઑલિમ્પિક્સમાં મેડલની સંખ્યા ઘણી વધી શકે
આ ઘટના ગુરુવારે પૅરિસમાં બની હતી. તુલકિન બીમાર પડતાં જ શરૂઆતમાં બ્રિટનના સ્ટાફના સભ્યો તેમની મદદે આવ્યા હતા. ત્યાર બાદ આખો મામલો ભારતીય મૂળના ડૉક્ટર હરજ સિંહ અને ફિઝિયોથેરપિસ્ટ રૉબી લિલીસે તેમનો જાન બચાવ્યો હતો.
આ બન્ને ડૉક્ટરે તેમને સીપીઆર આપ્યું હતું. ડૉ. લિલીસે ડિફાઇબ્રિલેટર (હૃદયની ગતિ સામાન્ય કરવા વપરાતું મશીન)નો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: વિનેશ ફોગાટ પહેલા એના બાર્બોસુને મળ્યો ન્યાય, મળ્યો બ્રોન્ઝ
સુપર હેવીવેઇટ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર બખોદિર જલોલોવે પત્રકારોને કહ્યું હતું કે ‘તુલકિનની તબિયત હવે સુધારા પર છે. તેમના કોચિંગમાં તમામ મુક્કાબાજોએ સારો દેખાવ કર્યો. તુલકિન અમારા માટે કોચ કરતાં પણ વિશેષ તો પિતા જેવા છે. તેમણે અમારી કાળજી રાખી, અમને શિક્ષિત કર્યા અને અમારામાં ખેલભાવનાનું સિંચન કર્યું. તેઓ હંમેશાં અમારા દિલમાં વસે છે. અમે બધા તેમને મળવા હૉસ્પિટલમાં જવાના છીએ.’