Paris Olympic-2024: ચીની બેડમિંટન પ્લેયરના જિતના જશ્ન વચ્ચે જ બોયફ્રેન્ડે કર્યો ઈઝહાર-એ-ઈશ્ક અને…
હાલમાં પેરિસમાં ઓલમ્પિક-2024 ઈવેન્ટ થઈ રહી છે, જેના પર દુનિયાના મોટાભાગના દેશોની નજર છે. પેરિસને પ્રેમનું શહેર (Paris- City Of Love) તરીકે પણ ઓળખાય છે એ વાત તો આપણે જાણીએ જ છીએ પણ અહીં ઓલમ્પિક દરમિયાન બેડમિંટન કોર્ટ પર એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અહીં ગોલ્ડ મેડલ વિજેતા ચીનની બેડમિંટન ખેલાડી હુઆંગ યાકિઓંગ (Huang Ya Qiong)ને એના બોયફ્રેન્જ લિયુ યુચેન (Liu Yu Chen)એ મેચ બાદ પ્રપોઝ કર્યું હતું અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે બીજી ઓગસ્ટના શુક્રવારે ચીનની હુઆંગ યાકિઓંગે બેડમિંટનના મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ઝેંગ સિવેઈ સાથે મળીને ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. આ જિત બાદ જ હુઆંગ યાકિઓંગને તેના બોયફ્રેન્ડ લિયુ યુચેને પ્રપોઝ કર્યું હતું અને આ ક્યુટ, ઈમોશનલ પ્રપોઝલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : મનુ ભાકરે એક પણ દિવસ લંચ નથી કર્યું, મમ્મીએ આલુ પરાઠા ખવડાવવાનું વચન આપ્યું
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલાં યુચેન તેની પાર્ટનર હુઆંગને બૂકે આપે છે પછી ઘૂંટણ પર બેસીને રિંગ આપીને પ્રપોઝ કરે છે. હુઆંગ આ પ્રપોઝલનો અસ્વીકાર નહીં કરી શકે અને આંખોમાં ખુશીના આંસુ સાથે તેણે એ રિંગ પહેરી લીધી હતી અને લિયુને ગળે પણ લગાવ્યો હતો.
આ પ્રપોઝલ જોઈને હુઆંગ એકદમ ચોંકી ઉઠી હતી અને તેણે આવા કોઈ પ્રપોઝલની આશા નહોતી રાખી. હુઆંગે જણાવ્યું હતું કે આ પ્રપોઝલ મને આશ્ચર્યચકિત કરી નાખનારું હતું, કારણ કે હું મારી તૈયારીઓમાં ફોકસ કરી રહી હતી. હું ઓલમ્પિકમાં ચેમ્પિયન છું અને લગ્નનો પ્રસ્તાવ મળવો એ મારી કલ્પના બહારની ઘટના હતી.
હુઆંગ માટે તો પેરિસ ખરા અર્થમાં સિટી ઓફ લવ સાબિત થયું છે, કારણ કે અહીં જ તેને નેમ, ફેમ અને પ્રેમ ત્રણેય વસ્તુ મળી ગઈ, બસ જિને કે લિયે ઔર ક્યાં ચાહિયે…