શૂટિંગમાં ભારતની ટીમ જરાક માટે બ્રૉન્ઝ ચૂકી ગઈ, ઈજાગ્રસ્ત રેસલર નિશા દહિયા ક્વૉર્ટરમાં હારી

શૅટ્યોરૉક્સ (ફ્રાન્સ): નિશાનબાજીમાં મનુ ભાકરે બે બ્રૉન્ઝ મેડલ જીતીને પોતાનો પર્ફોર્મન્સ પૂરો કર્યો ત્યાર બાદ ભારતને બીજાં શૂટર્સ પાસે આશા હતી, પરંતુ સોમવારે મહેશ્વરી ચૌહાણ અને અનંત જીત સિંહ નારુકાની જોડીએ સ્કીટ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં ચીનની હરીફ જોડીને જોરદાર લડત આપી હતી અને ફક્ત એક પૉઇન્ટ માટે એનાથી પાછળ રહી ગઈ હતી અને બ્રૉન્ઝ મેડલથી વંચિત રહી હતી.
મહેશ્વરી-અનંતની જોડી 43ના શૉટ સાથે ચોથા નંબર પર રહી હતી, જ્યારે ચીનના યિટિંગ જિઆન્ગ અને જિઆનલિન લ્યૂની જોડી 44 શૉટ સાથે ત્રીજા સ્થાને આવીને બ્રૉન્ઝ જીતી હતી.
આ પણ વાંચો: નીરજ ચોપડા, વિનેશ ફોગાટ અને મેન્સ હૉકી ટીમ: મંગળવારના મુકાબલા ભારતની બાજી ફેરવી શકે
મહિલાઓની કુસ્તીમાં પણ ભારતનો દિવસ સારો નહોતો. નિશા દહિયા 68 કિલો ફ્રીસ્ટાઇલ કૅટેગરીમાં ઉત્તર કોરિયની પૅક સૉલ ગુમ સામે 8-10થી હારી ગઈ હતી.
એક તબક્કે નિશા 8-1થી આગળ હતી, પણ 90 સેક્ધડ બાકી હતી ત્યારે નિશાને જમણા હાથમાં ઈજા થઈ હતી. તે દુખાવા છતાં લડી હતી અને બ્રેકમાં તબીબી સારવાર લીધી હતી, પણ નબળી પડી જતાં કોરિયન હરીફ જીતી ગઈ હતી.