‘મનુ હૈ તો મુમકીન હૈ’, ઑલિમ્પિક મેડલ મળતા જ ગામમાં ખુશીનો માહોલ
સ્ટાર શૂટર મનુ ભાકરે ફરી એકવાર દેશને ઉજવણીનો મોકો આપ્યો છે. બે દિવસ પહેલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરે શૂટર સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ફરી એકવાર બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુના ગામના લોકો પણ આ જીતની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. ગામના લોકો માટે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર બદલાઇને હવે ‘મનુ હૈ તો મુમકીન હૈ’ થઇ ગયું છે. મનુએ એવું પરાક્રમ કરીને દેખાડ્યું છે જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇએ કર્યું નથી.
મનુ ભાકર અને સરબજોત સિંહે દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક એથ્લેટ્સ ઓહ યે જિન અને લી વોન્હોને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ 16-10થી મેચ જીતી હતી. એટલે કે ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. પહેલો મેડલ મનુએ વ્યક્તિગત ઇવેન્ટમાં જીત્યો છે. જ્યારે બીજો મેડલ મનુ અને સરબજોતની જોડીએ જીત્યો છે. આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
આ પણ વાંચો : મનુ ભાકર સાથે ઑલિમ્પિક્સનો શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ કોણ છે?
પેરિસ ઓલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે, ચાહકોની નજર ફરી એકવાર મનુ ભાકર પર હતી. તે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતના સરબજોત સિંહ સાથે રમવા આવી હતી અને બંનેએ મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને દેશને ગૌરવ અપાવ્યું હતું.
આ વર્ષે મનુ ભાકરે ઓલિમ્પિક મેડલમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ભારતીય શૂટર મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને આમ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની.
છેલ્લી મેચમાં મનુએ ફાઈનલમાં કુલ 221.7 પોઈન્ટ બનાવ્યા હતા. ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ ઈવેન્ટમાં કોરિયન ખેલાડીઓ ઓ યે જીને ગોલ્ડ (243.2 પોઈન્ટ) અને કિમ યેજી (241.3)એ સિલ્વર મેડલ જીત્યો હતો.