પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

પૅરિસમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર મનુ ભાકર કોણ છે?

હરિયાણાની ગર્લ માર્શલ આર્ટ પણ જાણે છે: મમ્મી કેમ મનુને ‘ઝાંસી કી રાની’ કહીને બોલાવે છે?

પૅરિસ/રોહતક: પૅરિસ ઑલિમ્પિક્સમાં નિશાનબાજ મનુ ભાકરે ભારત માટે મેડલની યાદીમાં શ્રીગણેશ કર્યા છે. શુક્રવારની ઓપનિંગ સેરેમની પછી રવિવારના બીજા જ દિવસે ભારતે ચંદ્રક જીતી લીધો છે. બાવીસ વર્ષની મનુએ 10 મીટર ઍર પિસ્તોલ વિમેન્સ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો અને એ સાથે તે ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગમાં ભારતને મેડલ અપાવનારી પ્રથમ મહિલા શૂટર બની છે.

ત્રણ વર્ષ પહેલાં (2021માં) ટોક્યો ઑલિમ્પિક્સમાં મનુની પિસ્તોલ ખરાબ થઈ જતાં તેનું અભિયાન ત્યાં જ અટકી ગયું હતું. ત્યારે તે ખૂબ રડી હતી, પણ રવિવારે મેડલ જીતી લેતાં તેની ખુશીનો કોઈ પાર નહોતો.

પૅરિસના શૂટિંગ માટેના સેન્ટરમાં એક કલાક અને 15 મિનિટ સુધી ફાઇનલને લગતું જે સત્ર ચાલ્યું એમાં તે શરૂઆતથી છેક સુધી એકાગ્રતા અને ધૈર્ય બનાવી રાખવામાં સફળ રહી હતી.

ભારતને 2012ની લંડન ઑલિમ્પિક્સ બાદ પહેલી વાર શૂટિંગનો મેડલ મળ્યો છે અને એ ગૌરવ મનુ ભાકરે અપાવ્યું છે. આ પ્રસંગે વર્લ્ડ કપના નવ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી મનુ ભાકર વિશે થોડું બૅકગ્રાઉન્ડ જાણી લઈએ.

મનુ હરિયાણાના ઝજ્જાર જિલ્લામાં રહે છે. તેનો જન્મ 2002ની 18મી ફેબ્રુઆરીએ આ જિલ્લાના ગૉરિયા ગામમાં થયો હતો. તેણે નાનપણમાં જ નિશાનબાજીમાં કૌશલ્ય બતાવ્યું હતું. જોકે નિશાનબાજી પહેલાં તે મુક્કાબાજી, ટેનિસ અને સ્કેટિંગ જેવી બીજી રમતો પણ ખૂબ રમતી હતી અને એની નૅશનલ ગેમ્સમાં ચંદ્રકો જીતી હતી. તે માર્શલ આર્ટ્સમાં પણ કુશળ હતી.
મનુના પપ્પા રામકિશન ભાકર મર્ચન્ટ નૅવીમાં ચીફ એન્જિનિયર છે. તે ટીનેજ વયની હતી ત્યારે પપ્પાએ આપેલા દોઢ લાખ રૂપિયાના રોકાણ સાથે પુત્રી મનુએ શૂટિંગમાં તાલીમ લેવાનું અને હરીફાઈઓમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. 2017માં મનુ પ્રથમ આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીતી હતી. ત્યારે તે એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી હતી. એ જ અરસામાં તેણે દેશની ટોચની શૂટર તથા વર્લ્ડ કપમાં ચંદ્રકો જીતી ચૂકેલી હીના સિધુ (ગોરેગામમાં રહેતા શૂટર રોનક પંડિતની પત્ની)ને તેનો જ રેકૉર્ડ તોડવાની સાથે હરાવીને ભારતીય શૂટિંગ જગતને ચોંકાવી દીધું હતું.

આ પણ વાંચો : મનુ ભાકરે Paris Olympicsના શૂટિંગમાં રચ્યો ઇતિહાસ

‘પિસ્તોલ ક્વીન’ તરીકે ઓળખાતી મનુ ભાકર 2018થી 2024 સુધીમાં 10 મીટર ઍર પિસ્તોલ ઇન્ડિવિજ્યૂઅલ તથા મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પચીસ મીટર ઍર પિસ્તોલ ઇન્ડિવિજ્યૂઅલ અને ટીમ હરીફાઈમાં અનેક આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીતી ચૂકી છે.
મનુ ભાકરની મમ્મી સુમેધા ભાકરે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘જે દિવસે મનુનો જન્મ થયો હતો એ જ અરસામાં તેમણે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપવા જવાનું હતું. હું એ ટેસ્ટ આપીને પાછી આવી ત્યારે મનુ બિલકુલ ખુશ હતી. મારા ગયા પછી તે ચાર કલાક જરાય નહોતી રડી. એ જોઈને અમે તેનું નામ મનુ રાખ્યું જેનો અર્થ ઝાંસી કી રાની એવો અર્થ થાય છે.’

શૂટિંગમાં મનુ ભાકર અનેક નાના-મોટા મેડલ જીતી છે!

(1) પૅરિસ ઑલિમ્પિક્સમાં એક બ્રૉન્ઝ મેડલ
(2) વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ
(3) વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
(4) કૉમનવેલ્થ ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ
(5) એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ
(6) એશિયન ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ
(7) એશિયન ઍરગન ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ
(8) યુથ ઑલિમ્પિક ગેમ્સમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
(9) જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ
(10) જુનિયર વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
(11) વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ

મનુ ભાકરને શું ગમે? શું ખૂબ ભાવે?

સૌથી વધુ કોને આભારી?: મમ્મી-પપ્પા (શૂટિંગમાં કરીઅર બનાવવામાં સંપૂર્ણ સપોર્ટ આપવા બદલ)
ફેવરિટ ફિલ્મ: ‘જિંદગી ન મિલેગી દોબારા’
ફેવરિટ ઍક્ટર: પ્રિયંકા ચોપડા
ફેવરિટ ફૂડ: આલૂ કા પરાઠા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button