મનુ ભાકર પાછી પૅરિસ જશે, ગોલકીપર શ્રીજેશ સાથે મોટી જવાબદારી નિભાવશે
પી. ટી. ઉષાના મંતવ્ય સાથે નીરજ ચોપડા તરત જ સંમત થઈ ગયો
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચનાર શૂટર મનુ ભાકર આ અઠવાડિયાની શરૂઆતમાં ભારત પાછી આવી, પરંતુ આ મેગા રમતોત્સવની 11 ઑગસ્ટની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સંઘની આગેવાની લેવા પાછી પૅરિસ જવાની જ હતી, હવે હૉકી ગોલકીપર પીઆર શ્રીજેશને પણ પૅરિસમાં મનુ સાથે સમાપન સમારોહમાં એ મોટી જવાબદારી સહભાગી થવાનું કહેવામાં આવ્યું છે.
હૉકી ટીમ ગુરુવારે સ્પેનને 2-1થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. બાવન વર્ષે ફરી હૉકીમાં ભારત સતત બે બ્રૉન્ઝ જીત્યું છે.
શ્રીજેશે ભારતને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ પછી હવે પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ બ્રૉન્ઝ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે આંતરરાષ્ટ્રીય હૉકીમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે.
આ પણ વાંચો : ભારતના આ દિગ્ગજ વકીલ વિનેશને મેડલ અપાવી શકશે? આજે CASમાં સુનાવણી
ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)નાં અધ્યક્ષ પી. ટી. ઉષાએ કહ્યું છે કે ‘ઑલિમ્પિક ગેમ્સમાં ભારતીય સંઘનું નેતૃત્વ સંભાળવાની બાબતમાં આઇઓએ પાસે શ્રીજેશના રૂપમાં બહુ સારો ભાવનાત્મક અને લોકપ્રિય વિકલ્પ છે. આ વિકલ્પ નક્કી કરવામાં આઇઓએને સંઘના વડા ગગન નારંગનો પણ સાથ મળ્યો છે. શ્રીજેશે ખાસ કરીને ભારતીય હૉકીને અને એકંદરે સમગ્ર હૉકીની રમતને બે દાયકા સુધી અવિરતપણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.’
પી. ટી. ઉષાએ એવું પણ જણાવ્યું કે ‘ગુરુવારે રાત્રે ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડા સાથે મેં આ બાબતમાં ચર્ચા કરી હતી અને તેણે મારી સાથે સંમત થતા કહ્યું કે સંઘની આગેવાની માટે શ્રીજેશની પસંદગી કરવાનો નિર્ણય એકદમ યોગ્ય છે.’
આઇઓએના ચીફ પી. ટી. ઉષાએ એવું પણ કહ્યું કે ‘નીરજે મને કહ્યું કે મૅમ, તમે મને ન પૂછ્યું હોત તો પણ મેં તમને શ્રીભાઈનું જ નામ આપ્યું હોત. આ બતાવે છે કે શ્રીજેશ પર નીરજને કેટલું બધુ માન છે.’