પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

વિનેશ ફોગાટના કેસનો ચુકાદો રવિવાર પર મોકૂફ

પૅરિસ: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલો વર્ગની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી એની વિરુદ્ધમાં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)માં ફોગાટે કરેલી અપીલ પર જે કેસ ચાલી રહ્યો છે એનો ફેંસલો રવિવાર, 11મી ઑગસ્ટ પર મુલતવી રાખવામાં આવ્યો હોવાનું ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું.
સુનાવણી હાથ ધરાયા બાદ શનિવારે (10મી ઑગસ્ટે રાત્રે 9.30 વાગ્યે) ફેંસલો જાહેર થવાનો હતો, પરંતુ એ મોકૂફ રખાયો હોવાની વાત બહાર આવી હતી.

ગાટે મુખ્ય દલીલમાં કહ્યું છે કે તેણે કોઈ પણ રીતે છેતરપિંડી નથી કરી અને તેના વજનમાં જે 100 ગ્રામનો વધારો હતો એ તો શરીરમાં કુદરતી રીતે જે રિકવરી પ્રોસેસ રહેતી હોય છે એને કારણે જ તેનું વજન એ દિવસે નજીવું વધી ગયું હતું. બીજું, પોતાના શરીરની ખાસ કાળજી લેવી એ ઍથ્લીટનો પાયાભૂત અધિકાર છે, એવું પણ ફોગાટે અપીલમાં જણાવ્યું છે.
મંગળવારે વિનેશે ઉપરાઉપરી ત્રણ મુકાબલામાં ભાગ લેવો પડ્યો હતો જેને લીધે તેનું વજન ઘટી ગયું હતું અને ત્યાર પછીના કેટલાક કલાકોમાં તેણે જે ખાધું-પીધું એને લીધે વજન ફરી વધી ગયું હતું, પરંતુ ફાઇનલ પહેલાં જરૂરી વેઇ-ઇનમાં તેનું 50 કિલોના વર્ગમાં નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ નોંધાતાં તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવાઈ હતી.

તેણે ક્યૂબાની યુસ્નેલિસ નામની જે રેસલરને સેમિ ફાઇનલમાં હરાવી હતી તેને ફાઇનલમાં જવું મળ્યું હતું, પરંતુ ફાઇનલમાં અમેરિકાની સારા હિલ્ડેબ્રાન્ટ સામે તે હારી ગઈ હતી. સારાને ગોલ્ડ મળ્યો અને યુસ્નેલિસને સિલ્વર મેડલ અપાયો હતો.
ભારત અત્યાર સુધીમાં કુલ છ મેડલ જીત્યું છે જેમાં પાંચ બ્રૉન્ઝ અને એકમાત્ર સિલ્વર (નીરજ ચોપડા) છે. જો વિનેશને પણ સિલ્વર મળશે તો ભારતના ખાતે બે સિલ્વર મેડલ થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button