ભાલાફેંકના ગોલ્ડન-મૅન નદીમ પર ઇનામની વર્ષા ચાલુ જ છે, હવે જાણો શું-શું મળવાનું છે…

કરાચી: પાકિસ્તાનની સરકાર પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર અર્શદ નદીમને દેશના બીજા નંબરના સૌથી મોટા પુરસ્કાર ‘હિલાલ-એ-ઇમ્તિયાઝ’થી સન્માનિત કરશે. એ ઉપરાંત, તેના નામે ‘અઝ્મ-એ-ઇસ્તેહકામ’ ટાઇટલ સાથેની સ્ટેમ્પ બનાવીને 14મી ઑગસ્ટે 77મા આઝાદી દિને બહાર પાડવાનો આદેશ પણ સંબંધિત વિભાગને આપી દીધો છે.
પાકિસ્તાન પહેલી જ વખત ઑલિમ્પિક્સમાં વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. પાકિસ્તાનને 32 વર્ષે પહેલી વખત ઑલિમ્પિક મેડલ અને સૌપ્રથમ વાર ઍથ્લેટિક્સનો મેડલ મળ્યો છે.
નદીમે ગુરુવારે રાત્રે ફાઇનલમાં ભાલો સૌથી દૂર 92.97 મીટરના અંતરે ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે ઑલિમ્પિક્સનો નવો વિક્રમ નોંધાવ્યો હતો તેમ જ છેલ્લા પ્રયાસમાં ફરી ભાલો 90-પ્લસ (91.79 મીટર)ના અંતરે ફેંકીને ધમાલ મચાવી દીધી હતી.
નદીમ ખૂબ આર્થિક મુશ્કેલી સહન કરીને ઑલિમ્પિક્સના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. તેને શુક્રવારે કુલ 15 કરોડ રૂપિયાનું ઇનામ ઘોષિત કરાયું હતું. ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવા બદલ તેને વર્લ્ડ ઍથ્લેટિક્સ તરફથી 42 લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે. દેશમાં કેટલીક સ્પોર્ટ્સ ઍકેડેમીને તેનું નામ અપાશે.