પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતનો પ્રથમ પરાજય
વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામે છઠ્ઠા નંબરના ભારતની 1-2થી હાર
પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં શરૂઆતના દિવસો અપરાજિત રહીને વીતાવ્યા ત્યાર બાદ ગુરુવારે એનો વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામે ભારતનો 1-2થી પરાજય થયો હતો.
આ ગ્રૂપ મૅચ હતી જેમાં 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ-મેડલિસ્ટ અને છઠ્ઠા નંબરના ભારતને અભિષેકે 18મી મિનિટમાં ગોલ કરીને 1-0થી સરસાઈ અપાવી હતી, પરંતુ ત્યાર બાદ બેલ્જિયમે આક્રમણની તીવ્રતા વધારી દીધી હતી અને એણે ઉપરાઉપરી (33મી અને 44મી મિનિટમાં) બે ગોલ કરીને 2-1થી સરસાઈ હાંસલ કરી હતી.
ત્યાર બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમની ટીમે ભારતીય ટીમને ફરી બેઠી નહોતી થવા દીધી. ભારતીય ટીમે પણ સંરક્ષણ મજબૂત કર્યું હતું, પરંતુ ઘોડા નાસી જાય ત્યાર બાદ તબેલાને તાળું લગાવવા જેવી આ વાત હતી.
પૂલ-બીની આ મૅચ હતી અને આ ગ્રૂપમાંથી બેલ્જિયમની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.
ભારતે ન્યૂ ઝીલૅન્ડને 3-2થી હરાવ્યું અને ત્યાર બાદ આર્જેન્ટિના સામેની મૅચ 1-1થી ડ્રૉમાં ગયા બાદ આયરલૅન્ડ સામે ભારતે કૅપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલની મદદથી 2-0થી વિજય અપાવ્યો હતો.
ભારત હવે શુક્રવારે પૂલ-બીની અંતિમ લીગ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે.