ઑલિમ્પિક હૉકીમાં ભારત છ અને બ્રિટન ત્રણ મુકાબલા જીત્યું છે, રવિવારે ક્વૉર્ટરમાં સામસામે
પૅરિસ: ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે રવિવારે (બપોરે 1.30 વાગ્યાથી) પૅરિસ ઑલિમ્પિક્સની મેન્સ હૉકીની ક્વૉર્ટર ફાઇનલ રમાશે. બન્ને દેશ વચ્ચેની ઑલિમ્પિક ગેમ્સની હરીફાઈનો ઇતિહાસ બહુ જૂનો છે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં બન્ને દેશ વચ્ચે કુલ નવ વખત ટક્કર થઈ છે અને એમાં ભારતનો છ વખત અને બ્રિટનનો ત્રણ વાર વિજય થયો છે. છેલ્લે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતે બ્રિટનને 3-1થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
એ સિવાય બીજા આઠ ઑલિમ્પિક મુકાબલામાં ભારત-બ્રિટનના સામસામા દેખાવ આ મુજબના હતા: 2000ની ઑલિમ્પિક્સમાં બ્રિટનની 2-1થી જીત, 1996ની ઑલિમ્પિક્સમાં ભારતનો 3-4થી વિજય, 1992ની ઑલિમ્પિક્સમાં બ્રિટનનો 3-1થી વિજય, 1988ની ઑલિમ્પિક્સમાં બ્રિટનનો 3-0થી વિજય, 1972ની ઑલિમ્પિક્સમાં ભારતનો 5-0થી વિજય, 1960ની ઑલિમ્પિક્સમાં ભારતનો 1-0થી વિજય, 1952ની ઑલિમ્પિક્સમાં ભારતનો 3-1થી વિજય અને 1948ની ઑલિમ્પિક્સમાં ભારતનો 4-0થી વિજય.
ભારત-બ્રિટન વચ્ચે મેન્સ હૉકીમાં કુલ મળીને 23 મૅચ રમાઈ છે જેમાંથી 13 બ્રિટને અને 9 ભારતે જીતી છે.
રવિવારે પૅરિસમાં બાકીની ત્રણ ક્વૉર્ટર ફાઇનલમાં બેલ્જિયમ-સ્પેન, નેધરલૅન્ડ્સ-ઑસ્ટ્રેલિયા અને જર્મની-આર્જેન્ટિના વચ્ચે જંગ ખેલાવાનો છે.