દીપિકા પણ હારી ગઈ, ભારતીય તીરંદાજો ખાલી હાથે પાછા આવી રહ્યા છે
રનર પારુલ અને અંકિતા પછી ગોળા ફેંકમાં તેજિન્દરપાલ તૂર પણ નિષ્ફળ
પૅરિસ: ભારતની પીઢ મહિલા તીરંદાજ શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં વિમેન્સ ઇન્ડિવિજ્યૂઅલ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની સુહયૉન નામ સામે 4-6થી હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
એ સાથે તીરંદાજીમાં ભારતીયોના પડકારનો અંત આવ્યો હતો. શનિવારે 18 વર્ષની મહિલા તીરંદાજ ભજન કૌર ઇન્ડોનેશિયાની ડિયાનન્ડા ચોઇરુનિસા સામે હારી જતાં હરીફાઈની બહાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો: મનુ ભાકર 1 નંબર પર રહ્યા પછી 1 પૉઇન્ટ માટે બ્રૉન્ઝની હૅટ-ટ્રિક ચૂકી ગઈ એટલે રડી પડી
એક સમયે વર્લ્ડ નંબર-વનનો ટૅગ ધરાવતી દીપિકા જર્મનીની મિશેલ ક્રૉપેનને 6-4થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી. કોરિયાની સુહયૉનને દીપિકાએ તાજેતરમાં શાંઘાઈ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હરાવીને સિલ્વર મેડલ પણ જીતી લીધો હતો, પણ શનિવારે તેની સામે પૅરિસમાં પરાજિત થઈ હતી.
શુક્રવારે મોડી રાત્રે ભારતની બે મહિલા રનર પારુલ ચૌધરી અને અંકિતા ધ્યાની પૅરિસ ઑલિમ્પિક્સની 5000 મીટર રેસના પ્રથમ રાઉન્ડ માટે ક્વૉલિફાય થવામાં નિષ્ફળ ગઈ હતી. પારુલ 14મા નંબરે અને અંકિતા 20મા નંબરે આવી હતી. ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પારુલે 5000 મીટર દોડનું અંતર 15 મિનિટ, 10.68 સેક્ધડમાં પૂરું કર્યું હતું. એ સાથે તે 15:10.35નો પોતાનો નૅશનલ રેકૉર્ડ જરાક માટે ચૂકી ગઈ હતી અને ઑલિમ્પિક્સની મુખ્ય રેસ માટે ક્વૉલિફાય પણ નહોતી થઈ શકી. કેન્યાની ફેઇથ કિપ્યેગૉન 14:57.56ના ટાઇમિંગ સાથે પ્રથમ આવી હતી.
આ પણ વાંચો: Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી
પુરુષોની ગોળા ફેંકની હરીફાઈમાં ભારતનો તેજિન્દરપાલ સિંહ તૂર એક જ થ્રો બાદ સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. તેણે પ્રથમ થ્રોમાં ગોળો 18.05 મીટર (આશરે 60 ફૂટ) દૂર ફેંક્યો હતો, પણ ત્યાર પછીના તેના બે પ્રયાસ ખામીભર્યા રહેતા તે છેક 15મા સ્થાને રહ્યો હતો. તે બે વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે, પરંતુ પૅરિસમાં ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો.