પહેલા આગચંપી, પછી ભારે વરસાદ અને હવે અંધારપટ… પેરિસ ઑલિમ્પિકમાં અરાજકતા
ફ્રાન્સની રાજધાની પેરિસ આ દિવસોમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ રેલ નેટવર્ક ખરાબ રીતે ખોરવાઈ ગયું હતું. પેરિસમાં ઓલિમ્પિકના શરૂઆતના દિવસે ભારે વરસાદ બાદ પાવર ફેલ થઈ ગયો હતો. X પર ઘણા યુઝર્સે શહેરના વીડિયો અને ફોટા શેર કર્યા છે અને કહ્યું છે કે બ્લેકઆઉટ બાદ પેરિસ અંધકારમાં ડૂબી ગયું છે.
સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે 2024 ઓલિમ્પિકની શરૂઆત ગેરરીતિઓ અને અરાજકતાથી ભરેલી હતી. ટ્રેનો રદ થવાને કારણે 8 લાખથી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો. પેરિસમાં શુક્રવારે વરસાદને કારણે ઘણી મેચો રદ્દ થઈ હતી અને કેટલીક મેચો મોડી શરૂ થઈ હતી. પેરિસમાં ખરાબ હવામાનને કારણે મહિલાઓની સાયકલિંગ સ્પર્ધામાં પણ ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી ભીંજાયેલા રસ્તાઓને કારણે ઘણા ખેલાડીઓ ઘાયલ થયા હતા. આ પછી હજારો લોકોએ ફેસબુક પર બોયકોટ પેરિસ અને બોયકોટ ઓલિમ્પિક શેર કર્યું હતું જે આખો દિવસ ટ્રેન્ડમાં રહ્યું હતું.
ફ્રેન્ચ રેલ ઓપરેટર SNCF ના પ્રવક્તા અનુસાર, પેરિસનું મુખ્ય યુરોસ્ટાર સ્ટેશન, ગેરે ડુ નોર્ડ રેલ નેટવર્ક હુમલાથી પ્રભાવિત થયું હતું. જેના કારણે અનેક રેલ સેવાઓ રદ કરવી પડી હતી. જેમાં મુલાકાતીઓને પેરિસ લાવવાની સેવાઓનો પણ સમાવેશ થતો હતો. આને કારણે ઑલિમ્પિકની મઝા માણવા આવેલા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ઑલિમ્પ્કની ઓપનીંગ સેરેમની પણ અશ્લીલતાથી ભરેલી હતી, જેનો પણ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ઑલિમ્પિકમાં આટલી બધી અવ્યવસ્થાને કારણે સમગ્ર વિશ્વમાં ફ્રાન્સની સરકારની બદનામી થઈ રહી છે.