નવી દિલ્હી: નિતેશ કુમારે પેરાલિમ્પિક્સ 2024માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. પેરા બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમાર પેરિસ પેરાલિમ્પિક્સની મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીતીશે ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવ્યો હતો. પેરાલિમ્પિકમાં ભારતને નામે થયેલો આ આ નવમો મેડલ છે.
નિતેશ પહેલી જ વાર પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે અને તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કરીને ઈતિહાસ રચ્યો છે. હવે તે પેરાલિમ્પિક્સની બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારો ત્રીજો ભારતીય એથ્લેટ બની ગયો છે. તેની પહેલા પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ સિંગલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.
આ પણ વાંચો :ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા
15 વર્ષની ઉંમરમાં નિતેશના જીવનમાં એક દુ:ખદ વળાંક આવ્યો હતો અને તેણે 2009માં વિશાખાપટ્ટનમમાં એક ટ્રેન અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો. જો કે ત્યારબાદ નીતિશ માટે અહીં સુધી પહોંચવું પણ એટલું સરળ નહોતું કારણ કે એક સમય એવો હતો જ્યારે તેઓ મહિનાઓ સુધી પથારીવશ હતા અને તેમની હિંમત તૂટી ગઈ હતી.