
જયપુર: બુધવારે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બૅટર્સ ક્લાસેન, અભિષેક, ટ્રેવિસ હેડ અને માર્કરમે તૂફાની બૅટિંગ કરી એના પરથી કદાચ પ્રેરણા લઈને જયપુરમાં રાજસ્થાન રૉયલ્સના રિયાન પરાગે (84 અણનમ, 45 બૉલ, છ સિક્સર, સાત ફોર) દિલ્હી કૅપિટલ્સ સામે જોરદાર ફટકાબાજી કરી હતી. ખાસ કરીને તેણે એન્રિક નોર્કિયાની 20મી ઓવરમાં પચીસ રન (4, 4, 6, 4, 6, 1) ખડકી દીધા હતા. દિલ્હી કૅપિટલ્સ સામે એક સમયે 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવનાર રાજસ્થાનની ટીમનો 10 ઓવરમાં સ્કોર 58/3 હતો. શરૂઆતની મિડલ ઓવર્સમાં એણે ધીમી ગતિએ રન બનાવ્યા હોવાથી એવું લાગતું હતું કે માંડ 150થી 160નો સ્કોર જોવા મળશે. જોકે છેલ્લે 185/5ના સ્કોર સાથે રાજસ્થાનનો દાવ પૂરો થયો હતો.
પરાગ ઉપરાંત અશ્ર્વિન (29 રન, 19 બૉલ, ત્રણ સિક્સર), ધ્રુવ જુરેલ (20 રન, 12 બૉલ, ત્રણ ફોર) અને શિમરોન હેટમાયર (14 અણનમ, સાત બૉલ, એક સિક્સર, એક ફોર)એ પણ ઉપયોગી યોગદાન આપ્યા હતા. કૅપ્ટન સૅમસન 15 રન બનાવી શક્યો હતો. દિલ્હીને જેમના સૌથી વધુ ડર હતા એ બન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ (પાંચ રન) અને જૉસ બટલર (11 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
દિલ્હીના પાંચેય બોલર (ખલીલ અહમદ, નોર્કિયા, મુકેશ કુમાર, અક્ષર, કુલદીપ યાદવ)ને એક-એક વિકેટ મળી હતી.
દિલ્હીના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.
23મી માર્ચે દિલ્હીનો પ્રથમ મૅચમાં પંજાબ સામે ચાર વિકેટે પરાજય થયો હતો. 24મી માર્ચે જયપુરમાં પ્રથમ મૅચમાં રાજસ્થાને લખનઊને 20 રનથી પરાજિત કર્યું હતું.