પરાગે ફર્નાન્ડોને સદી ન કરવા દીધી, શ્રીલંકાના સાત વિકેટે 248

કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. પહેલી જ વન-ડે રમી રહેલો સ્પિન-ઑલરાઉન્ડર રિયાન પરાગ યજમાન ટીમને સૌથી વધુ ભારે પડ્યો હતો.
ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (96 રન, 102 બૉલ, બે સિક્સર, નવ ફોર) ફક્ત ચાર રન માટે ચોથી વન-ડે સેન્ચુરી ચૂકી ગયો એ માટે રિયાન પરાગ કારણરૂપ હતો. તેણે ફર્નાન્ડોને એલબીડબ્લ્યૂ કર્યો હતો.
ફર્નાન્ડો અને સાથી ઓપનર પથુમ નિસન્કા (45 રન, 65 બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે 89 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને ફર્નાન્ડો તથા વિકેટકીપર કુસાલ મેન્ડિસ (59 રન, 82 બૉલ, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી થઈ હતી. જોકે એ સિવાય શ્રીલંકન ટીમનો બૅટિંગ-ઑર્ડર નિષ્ફળ નીવડ્યો હતો.
આ પણ વાંચો: ભારત સામે શ્રીલંકા 27 વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું: આજે અંતિમ મૅચ
રિયાન પરાગે 54 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે ફર્નાન્ડો ઉપરાંત કૅપ્ટન ચરિથ અસલંકા (10) અને દુનિથ વેલાલાગે (2)ની વિકેટ લીધી હતી.
શિવમ દુબેને વિકેટ નહોતી મળી, પણ વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, કૅપ્ટન ચરિથ અસલંકાએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. મૅચની શરૂઆતમાં આકાશમાં વાદળો નહોતા. એ જોતાં વરસાદની સંભાવના ઘટી ગઈ હતી. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલના સ્થાને રિષભ પંતને અગિયાર ખેલાડીઓની ટીમમાં સામેલ કરાયો છે. પંત 20 મહિને પાછો વન-ડે રમી રહ્યો છે. છેલ્લે તે કાર અકસ્માત પહેલાં નવેમ્બર, 2022માં વન-ડે રમ્યો હતો.
આ પણ વાંચો: શ્રીલંકાની મેચમાં LBW વિવાદ બાદ મળ્યા Virat Kohli અને સનથ જયસૂર્યા, વાતચીતનો વિડીયો વાયરલ
રિયાન પરાગને વન-ડેમાં પણ ડેબ્યૂ કરવાની તક અપાઈ છે. અર્શદીપ સિંહને ટીમની બહાર રાખીને રિયાન પરાગને ઇલેવનમાં સ્થાન અપાયું છે. ટી-20 સિરીઝમાં રિયાને શ્રીલંકન બૅટર્સને ખૂબ પરેશાન કર્યા હતા.
યજમાન ટીમે ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો. અકિલા ધનંજયાના સ્થાને માહીશ થીકશાનાને ટીમમાં સમાવાયો છે.
પ્રથમ મૅચ ટાઇ ગયા બાદ શ્રીલંકાએ બીજી મૅચ જીતીને 1-0થી સરસાઈ લીધી હતી.