પંતનો ‘ફ્લાઇંગ કૅચ’ થયો વાઇરલ: જોકે ફૅન્સ તેની બૅટિંગથી ખુશ નથી
બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર-બૅટર રિષભ પંત કાર-અકસ્માત બાદ બે વર્ષ પછી પહેલી વાર રેડ-બૉલ ક્રિકેટ રમી રહ્યો છે. જોકે જૂનના ટી-20 વર્લ્ડ કપ ઉપરાંત બીજી કેટલીક મર્યાદિત ઓવર્સની મૅચો રમી ચૂકેલા પંતની ફિટનેસ અને વિકેટકીપિંગ વિશે ટીકા થતી રહી છે અને તેની તુલના બીજા કેટલાક વિકેટકીપર્સ સાથે કરવામાં આવી છે, પરંતુ સામાન્ય રીતે ખેલાડીઓ પર્ફોર્મન્સથી ટીકાકારોને જવાબ આપી દેવા માટેની તકની રાહ જોતા હોય છે.
રિષભ પંત સાથે શુક્રવારે આવું જ થયું. તેણે અહીં ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફીમાં કમાલનો ડાઇવિંગ કૅચ પકડીને ટીકાકારોની જાણે બોલતી બંધ કરી દીધી હતી.
ઇન્ડિયા-એનો ઓપનર મયંક અગરવાલ 44 બૉલમાં બનાવેલા 36 રને રમી રહ્યો હતો અને તેની ઇનિંગ્સ માંડ જામી હતી ત્યારે ઇન્ડિયા-બીના પેસ બોલર નવદીપ સૈનીના એક બૉલમાં ગ્લાન્સ કરવા ગયો ત્યારે વિકેટની પાછળ રિષભ પંતના હાથમાં તેનો કૅચ ઝીલાઈ ગયો હતો.
હજી દોઢ વર્ષ પહેલાં ઘૂંટણની સર્જરી કરાવનાર પંતે ડાબી તરફ ડાઇવ મારીને મયંક અગરવાલને નવજીવન મળે એવી કોઈ તક નહોતી આપી.
પંતે ડાઇવ મારીને એવો કૅચ પકડ્યો કે એનો વીડિયો વાઇરલ થઈ ગયો છે.
એક્સ પર તેના કેટલાક ફૅન્સે લખ્યું કે પંત હવે ટેસ્ટ-ક્રિકેટમાં કમબૅક કરવા ફરી તૈયાર છે. જોકે બીજા કેટલાક ક્રિકેટપ્રેમીઓએ પંતની બૅટિંગ વિશે શંકા વ્યક્ત કરી હતી. એક ક્રિકેટલવરે જવાબમાં લખ્યું, ‘હા ભાઈ, તારી વાત સાચી છે. તે ગુરુવારે સાત રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો.’
પંત ગુરુવારે આકાશ દીપના બૉલમાં શુભમન ગિલના હાથમાં કૅચઆઉટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે પંતે 33 ટેસ્ટમાં પાંચ સદીની મદદથી 2271 રન બનાવ્યા છે અને વિકેટની પાછળથી કુલ 133 શિકાર કર્યા છે.