બ્રિટિશરો સામે હવે રિચર્ડ્સ નહીં, પણ ભારતનો આ બૅટર છે સિક્સરોનો બાદશાહ

લંડનઃ વાઇસ-કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે (Rishabh Pant) અહીં લૉર્ડ્સમાં બ્રિટિશરોને જોરદાર લડત આપ્યા પછી બિનજરૂરી રન દોડવા જતાં રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી, પરંતુ એ પહેલાં તેણે સર વિવ રિચર્ડ્સ (Viv Richards)નો 34 વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો.
રિષભ પંતે 112 બૉલની લાંબી ઇનિંગ્સમાં ડાબા હાથની પહેલી આંગળીમાં ગંભીર ઈજા હોવા છતાં લડત આપીને બૅટિંગ કરી હતી અને એમાં તે 74 રનના પોતાના સ્કોર પર રનઆઉટ થયો હતો. એ 74 રનમાં તેની આઠ ફોર ઉપરાંત બે સિક્સર પણ સામેલ હતી. એ બે છગ્ગા તેના માટે ઐતિહાસિક બન્યા છે.
આ પણ વાંચો: બુમરાહે કપિલનો વિક્રમ તોડ્યો, પણ સેલિબ્રેશન કરવાનું ટાળ્યું
રિચર્ડ્સે 1976થી 1991 દરમ્યાન ઇંગ્લૅન્ડ સામે રમેલી 36 ટેસ્ટમાં 34 સિક્સર ફટકારી હતી. ઇંગ્લૅન્ડ (England) સામે રમી ચૂકેલા ટેસ્ટ ખેલાડીઓમાં રિચર્ડ્સની આ 34 સિક્સર હાઇએસ્ટ હતી. જોકે રિષભ પંતની ઇંગ્લૅન્ડ સામે હજી માંડ 15મી ટેસ્ટ છે અને એમાં તેણે 36મી સિક્સર ફટકારીને રિચર્ડ્સનો વિક્રમ તોડીને પોતાના નામે કરી નાખ્યો છે.
લૉર્ડ્સની વર્તમાન ટેસ્ટ પહેલાં પંતની ઇંગ્લૅન્ડ સામે રિચર્ડ્સ જેટલી 34 સિક્સર હતી, પણ શનિવારે તેણે કૅપ્ટન બેન સ્ટૉકસની એક ઓવરના છેલ્લા બૉલ પર છગ્ગો મારીને (35મી સિક્સર સાથે) રિચર્ડ્સનો રેકૉર્ડ પાર કર્યો હતો. ત્યાર બાદ તેણે સ્પિનર શોએબ બશીરની ઓવરના પહેલા બૉલ પર છગ્ગો ફટકારી હતી જે તેની 36મી સિક્સર હતી.
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કૅચ ઝીલવાનો જૉ રૂટનો વિશ્વવિક્રમ
ટેસ્ટ-ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામે સૌથી વધુ સિક્સર ફટકારાઓમાં પંત અને રિચર્ડ્સ પછી ત્રીજા નંબરે ન્યૂ ઝીલૅન્ડનો ટિમ સાઉધી, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ છે.
ઇંગ્લૅન્ડ સામે કોની સૌથી વધુ સિક્સર?
(1) રિષભ પંત, 36 સિક્સર
(2) વિવ રિચર્ડ્સ, 34 સિક્સર
(3) ટિમ સાઉધી, 30 સિક્સર
(4) યશસ્વી જયસ્વાલ, 27 સિક્સર
(5) શુભમન ગિલ, 26 સિક્સર