પંડિતને જ ખબર નહોતી કે તેમણે નીરજ ચોપડાના લગ્નની વિધિ કરાવવાની છે!
તમામ મહેમાનોને મોબાઇલ ન વાપરવા વિનંતી કરાઈ હતીઃ નીરજ ઍન્ડ ફૅમિલીએ હિમાનીના પરિવાર પાસે કંઈ જ દહેજ ન લીધું, શગુનનો માત્ર એક રૂપિયો લીધો
રોહતકઃ તાજેતરમાં જાહેર જનતાને અને મીડિયાને અંધારામાં રાખીને ચૂપકીદીથી હરિયાણાની ટેનિસ પ્લેયર હિમાની મોર સાથે લગ્નગ્રંથિથી જોડાનાર ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડાના તેમ જ હિમાનીના પરિવારે આ લગ્ન બાબતમાં એવી ગુપ્ત વ્યવસ્થા કરી હતી કે સેલિબ્રિટી વર્લ્ડમાં એવું ભાગ્યે જ કોઈએ કર્યું હશે. નીરજ-હિમાનીના લગ્ન કરાવનાર પંડિતને જ ખબર નહોતી કે તેણે નીરજ ચોપડા નામની ખેલજગતની મોટી હસ્તીના લગ્ન કરાવવાના છે.
નીરજ ચોપડા ભાલાફેંકમાં ઑલિમ્પિકસનો ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. એ ઉપરાંત તેણે બીજા અનેક નાના-મોટા ચંદ્રકો મેળવ્યા છે. હિમાની ગોરની ટેનિસમાં કરીઅર-બેસ્ટ રૅન્ક 2018માં સિંગલ્સમાં 42 અને ડબલ્સમાં 27 હતી.
નીરજ-હિમાની બન્ને હરિયાણાના છે. તેમના લગ્ન હિમાચલ પ્રદેશમાં સોલન વૅલીના સૂર્યવિલાસ રિસોર્ટમાં થયા હતા. ત્રણ દિવસના સમારંભમાં કુલ માત્ર 70 જેટલા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નીરજના સૌથી નજીકના મિત્રોને પણ તેના લગ્ન વિશેની જાણ નહોતી કરવામાં આવી. 2028ની ઑલિમ્પિક્સ પહેલાં નીરજનું ટૂર્નામેન્ટોને લગતું શેડ્યૂલ ખૂબ બિઝી હોવાથી ઉતાવળે તેણે લગ્ન કરવા પડ્યા છે.
Also read: મનુ ભાકરે કહ્યું, ‘હું અને નીરજ ચોપડા છ વર્ષથી એકમેકના…’
રસપ્રદ વાત એ છે કે જાહેર જનતાને કે મીડિયા ક્ષેત્રમાંથી કોઈને પણ આ મૅરેજની જાણ ન થાય એ માટે નીરજ-હિમાનીએ ગજબની ગુપ્તતા જાળવી હતી. લગ્ન માટે તેમણે એવા પંડિતને બોલાવવાનું નક્કી કર્યું જેઓ નીરજ વિશે કંઈ જાણતા જ ન હોય. એવા એક પંડિતની શોધ દરમ્યાન બન્નેના પરિવારજનોએ એક પંડિતને નીરજ ચોપડાનો ફોટો બતાવ્યો ત્યારે નીરજને પંડિત ઓળખી જ નહોતા શક્યા. પંડિતની આ અજાણતા જણાતાં જ નીરજ-હિમાનીના પરિવારજનોએ એ જ પંડિતને કહી દીધું હતું કે `તમારે 14-17 જાન્યુઆરી દરમ્યાન સોલન વૅલીના રિસોર્ટમાં લગ્નની વિધિ પાર પાડવાની છે.’
એટલું જ નહીં, સમારોહમાં બોલાવવામાં આવેલા તમામ આમંત્રિતોને વિનંતી કરવામાં આવી હતી કે તમે ઇવેન્ટના ત્રણ દિવસ દરમ્યાન તમારા મોબાઇલનો ઉપયોગ નહીં કરતા. નીરજનો ટોક્યો નામનો પેટ ડૉગ મહેમાનો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નીરજને આ ડૉગ ઑલિમ્પિક્સ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રાએ 2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો ત્યાર બાદ આપવામાં આવ્યો હતો.નીરજ અને તેના પરિવારે હિમાનીના ફૅમિલી પાસે કંઈ જ દહેજ નથી લીધું અને શગુનનો માત્ર એક રૂપિયો લીધો છે. ખુદ નીરજે સમારોહ પછી હિમાની સાથેના પોતાના લગ્નના બે-ત્રણ ફોટો સોશિયલ મીડિયામાં શૅર કર્યા હતા. નીરજ-હિમાની હનીમૂન માટે અમેરિકા ગયા છે અને તેઓ પાછા આવ્યા બાદ રિસેપ્શન રાખવામાં આવશે એવું નીરજના કાકા સુરેન્દ્ર ચોપડાએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું.