પાકિસ્તાનનો ખુશદિલ શાહ કિવી બોલર સાથે ટકરાયો, 50 ટકા મૅચ ફી કપાઈ ગઈ

ક્રાઇસ્ટચર્ચ: મંગળવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટી-20માં પાકિસ્તાનના ખેલાડી ખુશદિલ શાહે બૅટિંગ દરમિયાન કિવી બોલર સાથે ગેરવર્તન કર્યું એ બદલ ખુશદિલની 50% મૅચ ફી કાપી લેવામાં આવી છે અને તેના નામે ત્રણ ડી-મેરિટ પોઇન્ટ પણ લખવામાં આવ્યા છે.
ખુશદિલ શાહ સામે આઇસીસીની આચારસંહિતાનો ભંગ કરવા બદલ આ કડક પગલું ભરવામાં આવ્યું છે. એ દિવસે પાકિસ્તાનની ઈનિંગ્સમાં આઠમી ઓવર ન્યૂ ઝીલૅન્ડના પેસ બોલર ઝેકારી ફૉકસે કરી હતી. તેના ત્રીજા બૉલને ખુશદિલે મિડ ઑન તરફ મોકલ્યો હતો અને સિંગલ દોડતી વખતે ખુશદિલ પિચ પર ઊંધા ઊભેલા ફોક્સ સાથે જાણી જોઈને ટકરાયો હતો. ખુશદિલે ડાબો ખભો તેની સાથે ટકરાવ્યો હતો.
આ પણ વાંચો…છ વર્ષ બાદ ધોનીએ સ્વીકારી પોતાની ‘મોટી’ ભૂલ, IPL મેચમાં મેદાનમાં થઇ હતી બબાલ
ખુશદિલ અને સાથી બૅટરે દોડીને બે રન પૂરા કર્યા ત્યાર બાદ અમ્પાયર ખુશદિલ પાસે પહોંચી ગયા હતા અને તેને જોરદાર ઠપકો આપ્યો હતો.
અમ્પાયરે આ ઘટના સંબંધમાં મૅચ રેફરી જેફ ક્રોને ફરિયાદ કરી હતી. ખુશદિલે તરત પોતાનો ગુનો કબૂલ્યો હતો અને મૅચ રેફરીએ જરૂરી પગલાં લીધા હતા.
ખુશદિલે 30 બૉલમાં 32 રન કર્યા હતા. જોકે પાકિસ્તાન 91 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનનો આ સૌથી નીચો સ્કોર હતો. ન્યૂ ઝીલૅન્ડે એક વિકેટે 92 રન બનાવીને મૅચ જીતી લીધી હતી.