પાકિસ્તાનના ગુજરાતી ક્રિકેટરે કહ્યું, ’ લોકો હવે એવું જ સમજશે કે પાકિસ્તાની ખેલાડીઓ ભારતથી ડરી ગયા છે’

કરાચી: પાકિસ્તાન (Pakistan)ના ભૂતપૂર્વ સ્પિનર અને ગુજરાતી વૈષ્ણવ સમાજના ક્રિકેટર દાનિશ કનેરિયા (Kaneria)એ ફરી એકવાર પાકિસ્તાનના જ અભિગમને વખોડ્યો છે, આખા દેશને શરમમાં મૂકી દે એવી સ્પષ્ટ હકીકત તરફ સૌનું ધ્યાન
દોર્યું છે અને સંકેત આપ્યો છે કે પાકિસ્તાન સરકારે ટી-20 વર્લ્ડ કપ (world cup)માં ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચ ન રમવાનો નિર્ણય વિચાર્યા વગર લીધો છે.
કનેરિયાએ 276 વિકેટ લીધી હતી
કરાંચીમાં જન્મેલો દાનિશ પ્રભાશંકર કનેરિયા 45 વર્ષનો છે. તે 2000-2010 દરમ્યાન પાકિસ્તાન વતી કુલ 79 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો અને એમાં તેણે કુલ 276 વિકેટ લીધી હતી.
નૉકઆઉટની એન્ટ્રી મુશ્કેલ બનાવી
કનેરિયાનું એવું કહેવું છે કે ‘ ભારત સામે ન રમવાનું નક્કી કરીને પાકિસ્તાને પોતાની જ ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે. લોકો તો એવું જ માની લેશે કે ભારત સામે રમતાં પાકિસ્તાન ડરી ગયું છે એટલે વર્લ્ડ કપમાં રમવાનું ટાળ્યું છે. આવું કરીને પાકિસ્તાને પોતે જ વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પોતાના પ્રવેશને મુશ્કેલ બનાવી દીધું.’
આઇસીસીએ સુવિધા કરી આપી તો પણ…
કનેરિયાએ ભારતની જ જાણીતી સમાચાર સંસ્થા આઈએએનએસને કહ્યું છે કે ‘ પહેલાં પાકિસ્તાને આઈસીસીને એવું કહ્યું હતું કે અમે ભારતમાં રમવા નહીં જઈએ. તેમની એ વિનંતી સ્વીકારી લેવામાં આવી અને તેમની બધી મૅચો શ્રીલંકામાં રાખવામાં આવી. હવે ભારત સામેની મૅચ કોલંબોમાં રાખવામાં આવી છે તો પાકિસ્તાન રમવાની ના પાડે છે. આ મૅચનો બહિષ્કાર કરવા પાછળ કોઈ તથ્ય જ મને દેખાતું નથી. પાકિસ્તાન એવું માને છે કે એણે બાંગ્લાદેશને સપોર્ટ કર્યો છે, પરંતુ હકીકત એ છે કે બાંગ્લાદેશની ટીમને જ વર્લ્ડ કપમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ બધું જોતાં પાકિસ્તાને પોતાની ક્રિકેટ પર જ બધું ધ્યાન આપવું જોઈતું હતું. પાકિસ્તાન પોતે ભારત સામે નહીં રમે તો દુનિયાભરના લોકોને એવું લાગશે કે ભારતથી પાકિસ્તાન ડરી ગયું છે એટલે એની સામે રમવાનું માંડી વાળ્યું. પાકિસ્તાને બહુ ખોટો નિર્ણય લીધો છે.’
કનેરિયાનો પાકિસ્તાનને વધુ એક ટોણો
કનેરિયા સ્પષ્ટવક્તા છે અને તેણે મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘ભારત-પાકિસ્તાનની મૅચ કરોડો રૂપિયાની આવક ઊભી કરી આપતી હોય છે એવું હવે પાકિસ્તાન નહીં કહી શકે, કારણકે એણે પોતે જ ભારત સામે રમવાનું ટાળ્યું છે. બીજી રીતે કહું તો ભારતની જેમ બ્રેન્ડ ક્રિકેટ રમવામાં પાકિસ્તાન માનતું જ નથી. વન-ડેનો વર્લ્ડ કપ હોય કે ટી-20નો વિશ્વ કપ બંનેમાં ભારતે પાકિસ્તાનને ખૂબ હરાવ્યું છે.’
આપણ વાંચો: PCB પર કોઈ પ્રતિબંધ નહીં લાગે! ICCના ભૂતપૂર્વ અધ્યક્ષે આપ્યું આવું કારણ



