સાથી ખેલાડી ટકરાતાં પાકિસ્તાની વિકેટકીપરથી કૅચ છૂટ્યો, મીડિયામાં ચાહકોએ ટીકાનો વરસાદ વરસાવ્યો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સાથી ખેલાડી ટકરાતાં પાકિસ્તાની વિકેટકીપરથી કૅચ છૂટ્યો, મીડિયામાં ચાહકોએ ટીકાનો વરસાદ વરસાવ્યો

કોલંબો: મહિલા વન-ડે વર્લ્ડ કપમાં રવિવારે પાકિસ્તાન સામેની રસાકસીભરી મૅચમાં ભારતની ફીલ્ડિંગ તો ખરાબ હતી જ જેમાં વિકેટકીપર રિચા ઘોષે ત્રણ કૅચ છોડ્યા હતા, પરંતુ એ પહેલાં પાકિસ્તાનની ટીમની પણ ફીલ્ડિંગ ખૂબ ખરાબ હતી જેમાં ડ્રોપ થયેલા એક કૅચની સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા છે.

ભારતની ટીમ આ મૅચમાં 50મી ઓવરના છેલ્લા બૉલ પર 247 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. એ અગાઉ 49મી ઓવરના અંતે ભારતનો સ્કોર 8/236 હતો. રિચા ઘોષ સ્ટ્રાઇક પર હતી અને સામા છેડે ક્રાંતિ ગૌડ દાવમાં હતી. ભારતની સૌથી વધુ ચાર વિકેટ લેનાર પેસ બોલર ડાયના બેગના પહેલા બે બૉલમાં રિચા (Richa)એ એક ચોક્કા સહિત છ રન કર્યા હતા અને ત્રીજા બૉલમાં ખોટા શૉટમાં વિકેટકીપર સિડ્રા નવાઝ જયારે રિચાનો ઊંચો કૅચ ઝીલવા દોડી ત્યારે વિચિત્ર ઘટના બની હતી.

સિડ્રા નવાઝના હાથમાં બૉલ આવી જ ગયો હતો (તેણે કૅચ ઑલમોસ્ટ ઝીલી લીધો હતો) ત્યાં જ સામેથી કૅચ (catch) પકડવા દોડીને આવેલી સાથી ફીલ્ડર નતાલિયા પરવેઇઝ તેની સાથે ટકરાઈ હતી. આ ટક્કરમાં નવાઝથી હાથમાં આવેલો બૉલ છૂટી ગયો હતો અને રિચા આઉટ થતાં બચી ગઈ હતી. બન્ને પાકિસ્તાની ફીલ્ડરની આ ગેરસમજ બદલ સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. છેલ્લી ઓવરના આ ડ્રામા બાદ ભારતીય બૅટર્સે બીજા પાંચ રન બનાવી લીધા હતા.

‘ એક્સ’ પર એક ક્રિકેટ ચાહકે લખ્યું હતું કે પાકિસ્તાનની ટીમમાં ફીલ્ડિંગની બાબતમાં આવું તો થતું જ રહેતું હોય છે.

ભારતે પાકિસ્તાન (Pakistan)ને 248 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો અને પાકિસ્તાની ટીમ સિડ્રા અમીનના લડાયક 81 રન છતાં 159 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ભારત (India)નો 88 રનથી વિજય થયો હતો. આઠ દેશ વચ્ચેની આ સ્પર્ધામાં ભારત નંબર-વન સ્થિતિમાં થઈ ગયું હતું.

આ પણ વાંચો…મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને 88 રનથી કચડી નાખી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button