પાકિસ્તાની ક્રિકેટરે મૅન્ચેસ્ટરમાં બળાત્કાર કર્યો? પોલીસે સઘન તપાસ શરૂ કરી

મૅન્ચેસ્ટરઃ પાકિસ્તાનના ક્રિકેટરો ઇંગ્લૅન્ડમાં પોતાને તેમ જ પોતાના દેશને બદનામ કરતા હોય એ કોઈ નવી વાત નથી. થોડા વર્ષો પહેલાં સ્પૉટ-ફિક્સિંગને કારણે ભૂતપૂર્વ કૅપ્ટન-બૅટ્સમૅન સલમાન બટ તેમ જ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફના રમવા પર પ્રતિબંધ મુકાયો હતો અને આ કરતૂતને લીધે જ તેમની કરીઅર બરબાદ થઈ ગઈ હતી અને હવે 24 વર્ષીય બૅટ્સમૅન હૈદર અલી (Haider Ali)એ એવી હરકત કરી છે કે તેના દેશને કલંક તો લગાડ્યો જ છે, તેના ક્રિકેટ બોર્ડે તેને તાબડતોબ સસ્પેન્ડ (Suspend) કરી નાખ્યો છે.
પાકિસ્તાન વતી 2020થી 2023 દરમ્યાન બે વન-ડે અને 35 ટી-20 મૅચ રમનાર મિડલ-ઑર્ડરના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન હૈદર અલીએ આ વર્ષે બુધવાર, 23મી જુલાઈના રોજ મૅન્ચેસ્ટર (Manchester)ની એક ઇમારતમાં (કદાચ કોઈ હોટેલમાં) એક મહિલા પર બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાનો તેના પર આરોપ છે.
આપણ વાંચો: આ પૂર્વ સાંસદ બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા; ચુકાદો સંભળાતા જ રડી પડ્યા
મૅન્ચેસ્ટર પોલીસે હૈદર અલીની ધરપકડ કરી છે અને આ કેસ સંબંધમાં વધુ તપાસ થઈ રહી છે. હૈદર જુલાઈ મહિનામાં પાકિસ્તાન શાહીન્સ નામની ટીમ વતી ઇંગ્લૅન્ડમાં રમવા આવ્યો હતો એ અરસામાં આ ઘટના બની હોવાનું મનાય છે.
હૈદર અલી ઑક્ટોબર, 2022માં મેલબર્નમાં ભારત સામે એક ટી-20 રમ્યો હતો જેમાં હાર્દિક પંડ્યાએ તેને તેના માત્ર બે રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ભારતે ટી-20 વર્લ્ડ કપની એ મૅચ ચાર વિકેટે જીતી લીધી હતી.
આપણ વાંચો: થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ
હૈદરને મૅન્ચેસ્ટરમાં જામીન મળી ગયા છે, પરંતુ તેની વિરુદ્ધ સઘન તપાસ ચાલી રહી છે. દરમ્યાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ તેને સસ્પેન્ડ કર્યો છે.
જોકે ક્રિકેટ બોર્ડે એવું પણ જણાવ્યું છે કે ઇંગ્લૅન્ડમાં પીસીબી તરફથી હૈદરને કાનૂની લડાઈ સંબંધમાં પૂરો સપોર્ટ મળશે. પીસીબીની યાદીમાં જણાવાયું હતું કે ` હૈદર સામેના કેસ વિશેની કાનૂની પ્રક્રિયા પૂરી થશે અને તમામ હકીકતો સ્થાપિત થઈ જશે ત્યારે એને આધારે પીસીબી આચારસંહિતાને ધ્યાનમાં લઈને યોગ્ય લાગશે તો જરૂરી પગલાં ભરશે.’