નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચમાં ગ્લેન મેક્સવેલની શાનદાર 201 રનની નોટઆઉટ રહીને અફઘાનિસ્તાને હરાવી વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. વર્લ્ડ કામમાં 3 ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે, જેમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ છે.
હવે છેલ્લી ક્વોલિફાય જગ્યા મેળવવા પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન આ ત્રણ ટીમો વચ્ચે જોરદાર ટક્કર રહેશે. આ ત્રણેય ટીમે અત્યાર સુધીમાં 8-8 મેચ રમી છે, જેમાંની ચાર મેચ હારી જતાં બધા આઠ પોઈન્ટ પર અટકી છે. બીજી બાજુ અફઘાનિસ્તાનની નેટ રનરેટ માઈનસમાં હોવાને કારણે તેઓ માટે નોકઆઉટમાં પોતાની જગ્યા બનાવનું મુશ્કેલ છે. હાલમાં ચોથા ક્રમે ન્યૂ ઝીલેન્ડની ટીમ તેમની છેલ્લી મેચ આવતી કાલે નવમી નવેમ્બરે બેંગલુરુમાં શ્રી લંકા સાથે રમશે. જો આવતીકાલની મેચ રદ થાય કે પછી કિવિઓ હારી જાય તો પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ વધી શકે છે.
ન્યૂ ઝીલેન્ડના 2023ના પ્રદર્શનની વાત કરીએ તો ટીમે પહેલાની સતત 4 મેચમાં વિજય મેળવ્યો હતો પણ ત્યારબાદની ચાર મેચ હારી જતાં કિવિઓ સામે મુશ્કેલીઓ ઊભી થઈ છે. આવતીકાલે બેંગલુરુમાં રમાનારી મેચમાં હવામાન વિભાગે વરસાદ પાડવાની 80 ટકા શક્યતા દર્શાવી હતી. જો આવતીકાલની મેચ વરસાદને લીધે રદ કરવામાં આવે તો ન્યૂ ઝીલેન્ડ અને શ્રી લંકાને માત્ર એક-એક પોઈન્ટ મળશે જે પાકિસ્તાન માટે લાભદાયી સાબિત થઈ શકે છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં 8 અંકો સાથે ચોથા ક્રમે છે.
પાકિસ્તાન 8 મેચમાં 8 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે, જે 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સાથે પોતાની છેલ્લી મેચ રમશે. આ મેચમાં જો પાકિસ્તાન ઈંગ્લેન્ડને હરાવશે તો તે 2 પોઈન્ટ કમાવીને ન્યુ ઝીલેન્ડથી આગળ વધી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરશે.
શ્રી લંકાની ટીમ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતવાની સાથે પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના જીતના પરિણામો 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના ક્વોલિફિકેશન માટે પણ અગત્યનું છે. વર્લ્ડ કપ 2023ની ફક્ત ટોપ-7 ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમી શકશે, તેથી પોઇંટ્સ ટેબલમાં આઠમા સ્થાને રહેલી શ્રી લંકાની ટીમ માટે આવતી કાલની ન્યૂ ઝીલેન્ડ સામેની મેચમાં જીતવું મહત્વનુ રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને