સ્પોર્ટસ

પાકિસ્તાનના વિકેટકીપરે સ્ટમ્પિંગ કરી ડાબા હાથે, પણ બૉલ હતો તેના જમણા હાથમાંઃ અમ્પાયરે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનને…

લાહોરઃ તાજેતરમાં અહીં ઑસ્ટ્રેલિયા (Australia) સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં પાકિસ્તાન (Pakistan)ના વિકેટકીપર ખ્વાજા નૅફે (Nafay) ની ગરબડ કહો કે ચાલાકી, તેણે એવું કર્યું કે મેદાન પરના બેમાંથી કોઈ અમ્પાયર કે થર્ડ અમ્પાયર પણ તેની કરામત પારખી ન શક્યા અને નસીબવંતા ખ્વાજાના નામે કૂપર કૉનોલી (0)નું સ્ટમ્પિંગ લખાઈ ગયું હતું.

ખરેખર તો ખ્વાજાની આ હાથચાલાકી જ હતી અને અમ્પાયરોએ બ્લન્ડર કર્યું હતું. વિકેટકીપર ખ્વાજાએ સ્ટમ્પિંગ (Stumping) વખતે ડાબા હાથે સ્ટમ્પ્સ પરની બેલ્સ ઉડાડી દીધી ત્યારે બૉલ તેના ડાબા હાથમાં નહીં, પણ જમણા હાથમાં હતો. પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા, બાબર આઝમ, ફખર ઝમાન, સઇમ અયુબ સહિતના તમામ સાથી ખેલાડીઓ તાળી પાડીને ખ્વાજા પર આફરીન થઈ ગયા હતા.

આપણ વાચો: કોહલીએ ખૂબ દોડાવ્યા, પણ ઑસ્ટ્રેલિયા સામે તો પાકિસ્તાની ફીલ્ડરનું પૅન્ટ જ ઊતરી ગયું હતું! જુઓ વીડિયો

ઑસ્ટ્રેલિયા હારવાની તૈયારીમાં હતું

એ સ્ટમ્પિંગ વખતે ઑસ્ટ્રેલિયાની ટીમ હારવાની તૈયારીમાં હતી એટલે બહુ વિવાદ નહોતો થયો. કૉનોલીની વિકેટ પડી ત્યારે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 208 રનના લક્ષ્યાંક સામે 7/82 હતો અને ત્યાર બાદ બીજા 14 રનમાં બાકીની ત્રણ વિકેટ પડી જતાં ઑસ્ટ્રેલિયા 96 રન પર ઑલઆઉટ થઈ ગયું હતું અને એ મૅચ 111 રનથી હારી ગયું હતું. પાકિસ્તાને સિરીઝ 3-0થી જીતી લીધી હતી.

આપણ વાચો: મેલબર્નમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ કરતાં ભારત-પાકિસ્તાન ટી-20માં વધુ પ્રેક્ષકો!

તમામ અમ્પાયર પાકિસ્તાનના હતા

કૉનોલી-ખ્વાજાની ઘટના 14મી ઓવરમાં બની હતી. લેફ્ટ-આર્મ સ્પિનર મોહમ્મદ નવાઝે ફેંકેલા બૉલમાં કૉનોલી તેના સ્પિનને સમજી નહોતો શક્યો અને ક્રીઝની બહાર નીકળીને શૉટ મારવા ગયો ત્યારે ખ્વાજાએ ડાબા હાથથી બેલ્સ ઉડાડી દીધી હતી.

મેદાન પરના બન્ને અમ્પાયર નાસિર હુસેન અને રાશિદ રિયાઝ પાકિસ્તાનના હતા તેમ જ થર્ડ અમ્પાયર તારિક રાશિદ, રિઝર્વ અમ્પાયર ઝુલ્ફીકાર જૅન તેમ જ મૅચ રેફરી અલી નકવી પણ પાકિસ્તાનના જ હતા.

કૉનોલીને સ્ટમ્પિંગમાં અમ્પાયરે આઉટ આપ્યો ત્યાર બાદ જે ઍક્શન રિપ્લે બતાવવામાં આવ્યું એમાં સ્પષ્ટ દેખાતું હતું કે બૉલ ખ્વાજાના જમણા હાથમાં હતો અને તેણે બેલ્સ ડાબા હાથથી ઉડાડી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમ તરફથી પણ કોઈએ વિરોધ નહોતો કર્યો.

આઇસીસીનો નિયમ શું કહે છે?

આઇસીસીના 29.2.1 નંબરના નિયમમાં જણાવાયું છે કે જો વિકેટકીપર સ્ટમ્પિંગ કે રનઆઉટ કરે કે ફીલ્ડર રનઆઉટ કરે ત્યારે તેણે જે હાથે બૅટ્સમૅનને સ્ટમ્પિંગ કે રનઆઉટ કર્યો હોય ત્યારે તેના એ હાથમાં બૉલ હોય તો જ બૅટ્સમૅન આઉટ કહેવાય. નહીં તો અમ્પાયર અપીલ નકારી શકે છે. જોકે કૉનોલી-ખ્વાજા નૅફેના કિસ્સામાં આવું નહોતું બન્યું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button