સ્પોર્ટસ

પાકિસ્તાન આ વખતે અમેરિકાની જાળમાંથી બચ્યું, 32 રનથી જીત્યું…

કોલંબોઃ પાકિસ્તાને (PAKISTAN) અહીં મંગળવારે અમેરિકા (USA)ને વર્લ્ડ કપની મૅચમાં 32 રનથી હરાવી દીધું હતું. 2024ના વર્લ્ડ કપમાં અમેરિકા સામે હારેલું પાકિસ્તાન આ વખતે પ્રથમ બૅટિંગ મળતાં નવ વિકેટે 190 રન કરી શક્યું હતું અને જવાબમાં અમેરિકાની ટીમ લડત આપ્યા બાદ આઠ વિકેટે 158 રન બનાવી શકી હતી.

પાકિસ્તાને પોતાની ઇનિંગ્સમાં છેલ્લા છવ્વીસ બૉલમાં છ વિકેટ ગુમાવી હતી જેમાંથી બે પ્લેયર રનઆઉટ થયા હતા. જોકે અમેરિકા એ ધબડકો બોલાવ્યા બાદ બૅટિંગમાં વળતો જવાબ નહોતું આપી શક્યું. શુભમ રાંજણે (51 રન, 30 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર), શયન જહાંગીર (49 રન, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) તથા મિલિન્દ કુમાર (29 રન, બાવીસ બૉલ, એક સિક્સર, બે ફોર) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન સારું નહોતો રમ્યો. ઉસમાન તારિકે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

એ પહેલાં, પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 190 રન કર્યા હતા. ઓપનર સાહિબઝાદા ફરહાન (73 રન, 41 બૉલ, પાંચ સિક્સર, છ ફોર), બાબર આઝમ (46 રન, 32 બૉલ, એક સિક્સર, ચાર ફોર) તથા શાદાબ ખાન (30 રન, 12 બૉલ, એક સિક્સર, ચાર ફોર) સિવાય વધુ કોઈ બૅટ્સમૅન અમેરિકાની અસરદાર બોલિંગને કારણે 20 રનનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો.

પાકિસ્તાને 143 રનના સ્કોર પર સાહિબઝાદાની ચોથી વિકેટ ગુમાવી ત્યાર બાદ 179મા રન સુધીમાં બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અમેરિકાના શેડલી વૅન સ્કૉલવીકે સૌથી વધુ ચાર વિકેટ તેમ જ સૌરભ નેત્રાવલકર, મોહમ્મદ મોહસિન અને હરમીત સિંહે એક-એક વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button