પાકિસ્તાનને અમેરિકાની ટીમની ચેતવણી, ` યાદ છેને, ગયા વખતે અમે તમને હરાવ્યા હતા’

કોલંબોઃ પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સામે ઝૂકીને ભારત સામેની 15મી ફેબ્રુઆરીની જે મૅચ રમવા તૈયાર થઈ ગયું એ પહેલાં પાકિસ્તાન (PAKISTAN)ની ટીમે મોટો અવરોધ પાર કરવાનો છે જેમાં એનો આજે (સાંજે 7.00 વાગ્યાથી) અણધાર્યા પરિણામ માટે જાણીતી અમેરિકાની ટીમ સામે કોલંબોમાં મુકાબલો છે અને એ મૅચ પહેલાં અમેરિકાની ટીમે મીડિયા મારફત પાકિસ્તાનને 2024ની પછડાટની યાદ અપાવીને ચેતવી દીધી છે.
2024ના વર્લ્ડ કપમાં અમેરિકા (USA)એ પોતાની પ્રથમ મૅચમાં કૅનેડાને સાત વિકેટે હરાવ્યા પછી પાકિસ્તાનનો પડકાર ઝીલ્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટે 159 રન કર્યા ત્યાર પછી અમેરિકાએ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન કર્યા હતા જેમાં અમેરિકાના કૅપ્ટન મોનાંક પટેલના 50 રન હાઇએસ્ટ હતા તેમ જ ઍન્ડ્રિસ ગૉઉસે 35 રન અને ઑરોન જોન્સે અણનમ 36 રન કર્યા હતા. મૅચ ટાઇ થતાં સુપર ઓવર રમાઈ હતી જેમાં અમેરિકાએ એક વિકેટે 18 રન કર્યા હતા.
ત્યાર બાદ પાકિસ્તાનના બૅટ્સમેનો ભારતીય મૂળના પેસ બોલર સૌરભ નેત્રાવલકર સામે નબળા પુરવાર થયા હતા, કારણકે નેત્રાવલકરની ઓવરમાં પાકિસ્તાને તેની ઓવરમાં તેઓ એક વિકેટના ભોગે માત્ર 13 રન કરી શક્યા હતા અને અમેરિકાનો રોમાંચક વિજય થયો હતો. આ વખતે પાકિસ્તાને (સાતમી ફેબ્રુઆરીએ) નેધરલૅન્ડ્સ સામેની મૅચ સાત વિકેટ ગુમાવ્યા બાદ જીતી હતી એટલે તેમની નબળાઈથી અમેરિકાની ટીમ સારી રીતે વાકેફ છે.

શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ભારતે સૂર્યકુમાર યાદવના અણનમ 84 રનની મદદથી તેમ જ મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ તથા અર્શદીપ સિંહ સહિતના બોલર્સના ધમાકેદાર પર્ફોર્મન્સની મદદથી અમેરિકાને 29 રનથી હરાવી દીધું હતું. પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા અમેરિકાના ખેલાડી મોહમ્મદ મોહસિને પાકિસ્તાન સામેની મૅચ વિશે એક મુલાકાતમાં કહ્યું, ` અમે શનિવારે ભારત સામે હારી ગયા, પણ એ મૅચમાં એક તબક્કે અમે ભારતીય ટીમનો ધબડકો બોલાવ્યો હતો અને એ મૅચ રમીને અમારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે. એ મૅચમાં અમે જે પૉઝિટિવ્સ મેળવ્યા એને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સામે રમવાના છીએ. અમે એક વખત પાકિસ્તાનને હરાવી ચૂક્યા છીએ એટલે અમારી સામેના મુકાબલામાં તેઓ માનસિક દબાણમાં રમશે. અમે હારીએ તો પણ કંઈ ગુમાવવા જેવું નથી. અમે આ ટૂર્નામેન્ટને એન્જૉય કરી રહ્યા છીએ. બૅટિંગ અમારી મુખ્ય તાકાત છે અને બોલિંગમાં પણ અમે ઘણો સુધારો કરી લીધો છે. હું પાકિસ્તાનની ટીમના દરેક ખેલાડી સાથે રમ્યો છું અને તેમના વિશે ઘણું જાણું છું.’



