ભારતીય મૂળના સ્પિનરે પાકિસ્તાનની ધરતી પરથી રચ્યો ઇતિહાસ! અનેક વિક્રમોમાં પણ સામેલ થયો…

રાવલપિંડીઃ પાકિસ્તાનની ધરતી પર ભારતના ક્રિકેટરો રમતા જોવા મળે એ (પાકિસ્તાનના આતંકવાદ-તરફી અભિગમને કારણે) દોઢ દાયકાથી શક્ય નથી થયું અને હજી ઘણા વર્ષો સુધી સંભવ પણ નથી.
પરંતુ ભારતીય મૂળના એક ખેલાડીએ મંગળવારે પાકિસ્તાન (Pakistan)ની ધરતી પર એક વિરલ સિદ્ધિ મેળવીને કરોડો ક્રિકેટપ્રેમીઓને જરૂર ચોંકાવી દીધા છે. એ ખેલાડી છે સ્પિનર કેશવ મહારાજ (Keshav Maharaj) જે સાઉથ આફ્રિકા વતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં એક જ ટેસ્ટ દાવમાં સાત કે સાતથી વધુ વિકેટની સિદ્ધિ ત્રણ વખત મેળવનાર વિશ્વનો પહેલો જ બોલર બન્યો છે.
પાકિસ્તાને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાને 93 રનથી હરાવ્યું હતું અને હવે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં પાકિસ્તાનની ટીમ 333 રનમાં ઑલઆઉટ થઈ ગઈ અને તેમની 10માંથી સાત વિકેટ કેશવ મહારાજે લીધી હતી.

કેશવ આત્માનંદ મહારાજ 35 વર્ષનો છે. તે લેફ્ટ-આર્મ સ્પિનર છે અને તેણે 42.4 ઓવરમાં 102 રનમાં પાકિસ્તાનના સાત બૅટ્સમેનને પૅવિલિનનો રસ્તો બતાડ્યો હતો. તેની મુખ્ય વિકેટોમાં કૅપ્ટન શાન મસૂદ અને ટી-20 ટીમના સુકાની સલમાન આગાની વિકેટોનો સમાવેશ હતો. શાન મસૂદ 87 રનમાં આઉટ થતાં 13 રન માટે સદીથી વંચિત રહ્યો હતો. સલમાન (45 રન) પાંચ રન માટે હાફ સેન્ચુરી ચૂક્યો હતો. 66 રન કરનાર સાઉદ શકીલની વિકેટ પણ મહારાજે જ લીધી હતી.
મહારાજે ટેસ્ટ-કારકિર્દીમાં 12મી વખત દાવ પાંચ કે પાંચથી વધુ વિકેટ લીધી છે. તેણે ડબ્લ્યૂટીસીમાં સૌથી વધુ બે વખત દાવમાં સાત કે વધુ વિકેટની સિદ્ધિ મેળવનાર રવિચન્દ્રન અશ્વિન, ન્યૂ ઝીલૅન્ડના મૅટ હેન્રી, પાકિસ્તાનના નોમાન અલી અને બાંગ્લાદેશના સાજિદ ખાનનો વિક્રમ તોડી નાખ્યો છે. મહારાજ એશિયાની ધરતી પર એક કરતાં વધુ વખત ઇનિંગ્સમાં સાત કે વધુ વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન પછીનો બીજો બિન-એશિયન બોલર પણ બન્યો છે.

મહારાજ એશિયામાં 50 ટેસ્ટ વિકેટ પૂરી કરનાર સાઉથ આફ્રિકાનો ત્રીજો બોલર અને પ્રથમ સ્પિનર બન્યો છે. ડબ્લ્યૂટીસીમાં સૌથી વધુ વખત પાંચ કે વધુ વિકેટ લેનાર લેફ્ટ-આર્મ સ્પિનર્સમાં મહારાજ હવે ત્રીજા નંબરે છે. તેણે રવીન્દ્ર જાડેજાની સિદ્ધિ પાર કરી છે. શ્રીલંકાના પ્રભાત જયસૂર્યાએ નવ વખત, પાકિસ્તાનના નોમાન અલી તથા બાંગ્લાદેશના તૈજુલ ઇસ્લામે આઠ-આઠ વખત મેળવી હતી. હવે સાત વખત આ ઉપલબ્ધિ મેળવનાર કેશવ મહારાજ ત્રીજા સ્થાને છે અને ચોથા સ્થાને જાડેજાના નામે આવી છ સિદ્ધિ છે.
મહારાજ પાકિસ્તાનમાં એક ટેસ્ટ દાવમાં સાત વિકેટ લેનાર બીજો સાઉથ આફ્રિકન બોલર બન્યો છે. તેણે ભૂતપૂર્વ સ્પિનર પૉલ ઍડમ્સ (2003માં લાહોરમાં 7/128)ની બરાબરી કરી છે.