પાકિસ્તાન નથી જીત્યું, અમે અમારી સામે હારી ગયાઃ નેધરલૅન્ડ્સ

કોલંબોઃ નેધરલૅન્ડ્સના પેસ બોલર પૉલ વૅન મીકેરને પાકિસ્તાન સામે અહીં વર્લ્ડ કપની પ્રારંભિક મૅચમાં નેધરલૅન્ડ્સ (NETHERLANDS)ના થયેલા પરાજય બાદ કહ્યું હતું કે ` ખરું કહું તો અમે છેલ્લી પળોમાં પૂરતું ધ્યાન ન આપ્યું એટલે હાર જોવી પડી. ખરેખર તો પાકિસ્તાન જીત્યું નથી, અમે જ પરાજયને નોતરું આપ્યું. બીજી રીતે કહું તો અમે અમારી સામે હારી ગયા.’
પાકિસ્તાને (PAKISTAN) જીતવા 148 રન કરવાના હતા અને 17મી ઓવર વખતે 114 રનમાં એની સાત વિકેટ પડી ચૂકી હતી. પાકિસ્તાનની હારની સંભાવના વધુ હતી, પણ આઠમા ક્રમના બૅટ્સમૅન ફહીમ અશરફનો (19મી ઓવરમાં) સાત રનના તેના સ્કોર પર મૅક્સ ઑડોવ્ડે કૅચ છોડ્યો હતો. ત્યાર બાદ ફહીમે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી પાકિસ્તાનને રોમાંચક વિજય અપાવ્યો હતો. પાકિસ્તાનની જાણે ઘાત ગઈ હતી.
ફહીમે (FAHEEM) મૅચ પછી કહ્યું કે તે સાત રન પર હતો ત્યારે તેનાથી ભૂલમાં કૅચ અપાઈ ગયો ત્યારે તે બંદગી કરતો હતો કે એ કૅચ છૂટી જાય તો સારું.
ફહીમે એવું પણ કહ્યું કે ` બંદગીમાં માત્ર મારા હોઠ ફફડતાં હતા એટલું જ નહીં, શરીરનું રોમરોમ બંદગી કરી રહ્યું હતું કે આ કૅચ છૂટી જાય તો સારું.’ બન્યું એવું કે મૅક્સથી એ કૅચ છૂટી ગયો અને છેવટે ફહીમ મૅચ-વિનર થઈ ગયો હતો.



