પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું હવે આવી બન્યું, જાણો શા માટે…

નવી દિલ્હીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે કે જો એની ટીમ શનિવારે શરૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મૅચ નહીં રમે તો ટીવી બ્રૉડકાસ્ટરો (broadcasters) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે કાનૂની પગલાં ભરશે.
બીજી તરફ, આ હાઇ-વૉલ્ટેજ મુકાબલા માટે ઘણા ઍડવર્ટાઇઝર્સે પણ કરોડો રૂપિયાની જાહેરખબરને લગતા કૉન્ટ્રૅક્ટ કરી રાખ્યા હોય અને મોટા ખર્ચ કરીને જાહેરખબરો તૈયાર કરાવી હોય, પરંતુ હવે પાકિસ્તાને ભારત સામે ન રમવાનો અચાનક નિર્ણય લીધો એને પગલે આ જાહેરખબરો આપનારાઓ પણ વિફર્યા છે.
પાકિસ્તાન સરકારે બાંગ્લાદેશની ટીમના સપોર્ટમાં ` એક્સ’ પર જાહેર કર્યું છે કે એની ટીમ ભારત સામે નહીં રમે. જોકે આઇસીસીને સત્તાવાર રીતે હજી એણે જણાવ્યું નથી.
આ પણ વાંચો…ભારત-પાકિસ્તાન મેચ રદ થતા ICCને મોટું નુકશાન! PCBને જીદ ભારે પડી શકે છે
પીટીઆઇના એક અહેવાલ મુજબ પાકિસ્તાન જો ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચ નહીં રમે તો આઇસીસી પાકિસ્તાનના વાર્ષિક હિસ્સાની 35 મિલિયન ડૉલર (અંદાજે 316 કરોડ રૂપિયા)ની રકમ અટકાવી રાખશે અને એ રકમનો ઉપયોગ બ્રૉડકાસ્ટરોને ભરપાઈ કરવા માટે વાપરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે ઘણી વાર બેઠક યોજી છે અને પોતાની કાનૂની ટીમ સાથે પણ સલાહ મસલત કરી છે અને પાકિસ્તાન સરકાર કોઈ પણ આર્થિક નુકસાન માટે તૈયાર હોવાનું જણાય છે.



