
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ` હૅન્ડશેક વિવાદ’માં આઇસીસીના મૅચ-રેફરી ઍન્ડી પાઇક્રૉફ્ટ (ANDY PYCROFT) વિરુદ્ધ આક્ષેપ કરીને જે ફરિયાદ નોંધાવી એટલે કોઈ એવું ન માની લે કે પાઇક્રૉફ્ટ સાથે પાકિસ્તાન (PAKISTAN)ની આ પહેલી જ ચકમક છે. પાકિસ્તાન ક્રિકેટ અને પાઇક્રૉફ્ટ વચ્ચે વર્ષોથી ગજગ્રાહ છે. પાકિસ્તાનીઓ પાઇક્રૉફ્ટને એક નંબરના દુશ્મન ગણે છે. તો ચાલો આપણે ઇતિહાસમાં ડોકિયું કરતા પહેલાં વર્તમાન કિસ્સા પર એક નજર કરી લઈએ.
રવિવારે દુબઈમાં ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના સુકાની સલમાન આગા સાથે ટૉસ વખતે હાથ મિલાવવાનું ટાળ્યું હતું તેમ જ ભારતે વિજય મેળવી લીધો ત્યાર પછી બન્ને ટીમના ખેલાડીઓ હાથ મિલાવે એ પરંપરાનો પણ ભારતીય ટીમે દુશ્મન-દેશ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે અમલ નહોતો કર્યો અને સૂર્યકુમાર તથા તેના તમામ સાથી ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ નહોતા મિલાવ્યા. પાકિસ્તાનથી આ અપમાન સહન થયું અને પીસીબીએ આક્ષેપ કર્યો હતો કે મૅચ-રેફરી પાઇક્રૉફ્ટે જ તેમના કૅપ્ટન સલમાન આગાને સૂચના આપી હતી કે ટૉસ વખતે સૂર્યકુમાર સાથે હાથ મિલાવવા નહીં. પીસીબીના મતે આગાને અપાયેલી આ સૂચના પાકિસ્તાનના અપમાન સમાન કહેવાય.
આ પણ વાંચો: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે ઔકાત બતાવી, સૂર્યકુમાર માટે અપશબ્દો વાપર્યા
પાકિસ્તાની ટીમના મૅનેજમેન્ટે બુધવારની યુએઇ સામેની મૅચ પહેલાં દુબઈમાં પત્રકાર પરિષદ રદ કરી હતી તેમ જ પાયક્રૉફ્ટને એશિયા કપના મૅચ-રેફરીના પદ પરથી હટાવવામાં આવે એવી માગણી કરી હતી. અમુક અહેવાલોમાં પાકિસ્તાન-યુએઇ મૅચ માટે પાઇક્રૉફ્ટના સ્થાને રિચી રિચર્ડસનની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે કલાકો સુધી ગૂંચવણ રહી હતી. પાકિસ્તાને મૅચ રેફરીપદેથી પાઇક્રૉફ્ટની હકાલપટ્ટી કરવાની માગણી સાથેનો બીજો પત્ર આઇસીસીને મોકલ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનની બેશુમાર નાલેશી થઈ, હવે બુધવારે યુએઇ પણ નાક કાપશે?
ઝિમ્બાબ્વેની પ્રથમ ટેસ્ટમાં પાઇક્રૉફ્ટ રમ્યા હતા
(1) ઍન્ડી પાઇક્રૉફ્ટ 69 વર્ષના છે. તેઓ 1983થી 1992 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા.
(2) 1992માં હરારેમાં ઝિમ્બાબ્વે પોતાની સૌપ્રથમ ટેસ્ટ રમ્યું એ મૅચની ટીમમાં પાઇક્રૉફ્ટ સામેલ હતા. એ ટેસ્ટ ભારત સામે રમાઈ હતી અને પાઇક્રૉફ્ટે પ્રથમ દાવમાં 39 રન કર્યા હતા, મનોજ પ્રભાકરના બૉલમાં અઝહરુદ્દીનના હાથમાં કૅચઆઉટ થયા હતા. બીજા દાવમાં પાઇક્રૉફ્ટે 46 રન કર્યા હતા અને રવિ શાસ્ત્રીના બૉલમાં એલબીડબ્લ્યૂ થયા હતા. એ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી. એ મૅચમાં અઝહરુદ્દીન અને ડેવ હાઉટન કૅપ્ટન હતા.
(3) રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન પાઇક્રૉફ્ટ ફક્ત ત્રણ ટેસ્ટ અને 20 વન-ડે રમ્યા હતા. તેમણે ત્રણ ટેસ્ટમાં 152 રન અને 20 વન-ડેમાં 295 રન કર્યા હતા. તેમણે ડોમેસ્ટિઠક ક્રિકેટમાં કુલ 6,900 જેટલા રન કર્યા હતા.
(4) પાઇક્રૉફ્ટ ઝિમ્બાબ્વે ક્રિકેટમાં સિલેક્ટર અને કોચ તરીકેનો હોદ્દે પણ રહી ચૂક્યા છે. પછીથી તેઓ આઇસીસીના મૅચ-રેફરીઓની પૅનલમાં નિયુક્ત થયા હતા.
(5) 1991માં પાઇક્રૉફ્ટે ઑસ્ટ્રેલિયા એ' ટીમ વિરુદ્ધ ફક્ત 109 બૉલમાં 104 રન ખડકી દીધા હતા. એ સમયની ઑસ્ટ્રેલિયા
એ’ ટીમમાં શેન વૉર્ન, સ્ટીવ વૉ અને પૉલ રાઇફલ જેવા દિગ્ગજો હતા.
પાઇક્રૉફ્ટ-પાકિસ્તાન વચ્ચેનો ખટરાગ કેમ જૂનો છે?
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી પાઇક્રૉફ્ટ સાથે પાકિસ્તાનની બહુ જૂની દુશ્મની છે. થોડા વર્ષો પહેલાં ઍન્ડી પાઇક્રૉફ્ટ મૅચ-રેફરી હતા ત્યારે તેમણે મોહમ્મદ હાફીઝ અને સઈદ અજમલની બોલિંગ ઍક્શનને ગેરકાયદેસર જાહેર કરી હતી. ત્યારે આ બન્ને પાકિસ્તાની બોલરનું ચકિંગનું પ્રકરણ ખૂબ ચગ્યું હતું. પાઇક્રૉફ્ટ 500થી વધુ આંતરરાષ્ટ્રીય મૅચોમાં અમ્પાયર તેમ જ મૅચ-રેફરી રહી ચૂક્રયા છે.
પાઇક્રૉફ્ટના બીજા વિવાદો
(1) 2018માં કેપ ટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં પાઇક્રૉફ્ટ મૅચ-રેફરી હતા. એ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર અને કૅમેરન બૅન્ક્રૉફ્ટે બૉલ સાથે ચેડાં કર્યા હતા અને તેમના રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા.
(2) ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની બૉક્સિંગ-ડે ટેસ્ટમાં પાઇક્રૉફ્ટ મૅચ-રેફરી હતા. એ મૅચમાં વિરાટ કોહલીએ સૅમ કૉન્સ્ટૅસ સાથે ખભો ટકરાવ્યો હતો અને પાઇક્રૉફ્ટે વિરાટને દંડ કર્યો હતો.