
ચેન્નાઇઃ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 22મી મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બંને ટીમોએ તેમની પ્લેઈંગ 11માં એક-એક ફેરફાર કર્યો છે. પાકિસ્તાનમાં મોહમ્મદ નવાઝની જગ્યાએ શાદાબ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અફઘાનિસ્તાને ફઝલહક ફારૂકીની જગ્યાએ નૂર અહેમદનો સમાવેશ કર્યો છે. પાકિસ્તાન હાલમાં વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે.
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાને ચાલુ ટુર્નામેન્ટમાં ચારમાંથી બે મેચ જીતી હતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હશમતુલ્લાહ શાહિદીના નેતૃત્વમાં અફઘાનિસ્તાને 4 મેચમાંથી માત્ર એક જ જીત નોંધાવી હતી.
અફઘાનિસ્તાન માટે આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તે હારી જશે તો તેના માટે સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ હશે. અફઘાનિસ્તાન માટે જીત આસાન નહીં હોય કારણ કે પાકિસ્તાન સામે તેનો દેખાવ સારો નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 વનડે રમાઈ છે અને દરેક વખતે પાકિસ્તાન જીત્યું છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે અફઘાનિસ્તાન પલટવાર કરવામાં સફળ થાય છે કે નહીં.