જુઓ તો ખરા, પાકિસ્તાનમાં ફેક્ટરીના પંખા ગોઠવી દેવાયા પિચ પર…
રાવલપિંડી: પાકિસ્તાન મુલતાનમાં ઇંગ્લેન્ડ સામે સીરિઝની બીજી ટેસ્ટ માત્ર બે સ્પિનરના તરખાટથી (152 રનના તોતિંગ તફાવતથી) જીતી ગયું એટલે એ વિજયથી પ્રેરાઈને પાકિસ્તાને ગુરુવાર, 24મી ઓક્ટોબરે શરૂ થનારી નિર્ણાયક ટેસ્ટ માટે વિચિત્ર અખતરો અજમાવ્યો છે. રાવલપિંડીની પિચ પણ સ્પિનર્સને માફક આવે એ હેતુથી એને બને એટલી સૂકી કરવા ઔદ્યોગિક સ્થળે વપરાતા મોટા પંખા પિચ પર ગોઠવી દેવાયા છે.
ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સથી જીતી લીધી હતી. જોકે, પાકિસ્તાને બીજી ટેસ્ટ જીતીને સિરીઝ 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી અને એ વિજય બે સ્પિનર (નોમાન અલી તથા સાજિદ ખાન)એ અપાવ્યો હતો. એ બીજી મૅચમાં બ્રિટિશ ટીમની તમામ 20 વિકેટ આ બન્ને સ્પિનરે લીધી હતી.
બેટર્સને સૌથી માફક આવતી વિશ્વની સૌથી ફ્લૅટ પિચોમાં રાવલપિંડીની પિચનું નામ અચૂક લેવાય છે. આ પિચ પર પુષ્કળ રન તો સંભવ છે જ, એના પર સ્પિનરને બહુ મદદ નથી મળતી.
એ જોતાં પિચને ખૂબ ડ્રાય બનાવવા સત્તાધીશો એના પર તોતિંગ પંખા તેમ જ હીટરનો ઉપયોગ કરી રહ્યા છે કૅ જેથી પાકિસ્તાનના બેઉ સ્પિનર ફરી ઇંગ્લેન્ડને ભારે પડે.
રવિવારે મેદાનના માળીઓએ ત્રણ હીટર અને પિચના બન્ને છેડે એક-એક ઇન્ડસ્ટ્રીયલ ફેન ગોઠવી દીધા હતા અને એની મદદથી (ગરમાટાથી તેમ જ હવાથી) પિચને સૂકી કરવાની શરૂઆત કરી દીધી હતી.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં સૌથી વધુ 14 વિકેટ ઇંગ્લેન્ડના સ્પિનર જૅક લીચના નામે છે. સૌથી વધુ 342 રન ઇંગ્લેન્ડના હેરી બ્રુકે બનાવ્યા છે.