પાકિસ્તાનને માથે પનોતી બેઠી છે, રૅન્કિંગમાં 59 વર્ષના સૌથી નીચા રેટિંગ પર પહોંચ્યું…
દુબઈ/કરાચી: પાકિસ્તાન ક્રિકેટ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે. પહેલાં તો પાકિસ્તાનની ટેસ્ટ ટીમ પહેલી વાર બાંગ્લાદેશ સામે ટેસ્ટ-મૅચ હાર્યું અને પછી બાંગ્લાદેશે એને સિરીઝની બીજી ટેસ્ટમાં પણ હરાવીને 2-0થી એનો વ્હાઇટ-વૉશ કરવાની સાથે પહેલી જ વખત એની સામે ટેસ્ટ-સિરીઝ જીતી લીધી. અધૂરામાં પૂરું, આ બધી નામોશીને પગલે પાકિસ્તાને હવે આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં જોરદાર પછડાટ ખાધી છે. પાકિસ્તાન છેલ્લા 59 વર્ષના લોએસ્ટ રેટિંગ પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો : PAK vs BAN 2nd Test: કૃષ્ણ ભક્ત બાંગ્લાદેશી બેટ્સમેન ટીમ માટે બન્યો સંકટ મોચક, મેચ રોમાંચક મોડ પર
ટેસ્ટના રૅન્કિંગમાં પાકિસ્તાન છેક આઠમા સ્થાને ધકેલાઈ ગયું છે. એનું રેટિંગ માત્ર 76 છે જે 1965થી અત્યાર સુધીમાં (59 વર્ષમાં) સૌથી નીચું છે.
ઑસ્ટ્રેલિયા 124ના રેટિંગ સાથે નંબર વન, ભારત 120ના રેટિંગ સાથે નંબર-ટૂ અને ઇંગ્લૅન્ડ 108ના રેટિંગ સાથે નંબર-થ્રી છે.
બાંગ્લાદેશે પાકિસ્તાનની ટીમને એની જ ધરતી પર બન્ને ટેસ્ટમાં હરાવી છે. પ્રથમ ટેસ્ટમાં નજમુલ શૅન્ટોની ટીમે દસ વિકેટે અને બીજી ટેસ્ટમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો. ટેસ્ટ-ક્રિકેટમાં બાંગ્લાદેશે હવે પાકિસ્તાનને હરાવવાનું શરૂ કરી દીધું છે એમ કહીએ તો પણ ખોટું નથી.
બાંગ્લાદેશ સામેની શૉકિંગ હાર પહેલાં પાકિસ્તાનની ટીમ રૅન્કિંગમાં છઠ્ઠા નંબરે હતી, પણ હવે આઠમા સ્થાને જતી રહી છે. બાંગ્લાદેશ સામેની હારને લીધે શાન મસૂદની ટીમને રૅન્કિંગમાં બહુ મોટું નુકસાન થયું જ છે, દેશભરમાં મસૂદની કૅપ્ટન્સીની અને તેની ટીમની ખૂબ ટીકા થઈ રહી છે.
હવે બાંગ્લાદેશની ભારતમાં કસોટી થશે. 19મી સપ્ટેમ્બરે ભારતમાં બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.
ટેસ્ટ રૅન્કિંગમાં કયો દેશ કયા સ્થાને?
ક્રમ દેશ મૅચ પૉઇન્ટ રેટિંગ
1 ઑસ્ટ્રેલિયા 30 3715 124
2 ભારત 26 3108 120
3 ઇંગ્લૅન્ડ 34 3679 108
4 સાઉથ આફ્રિકા 21 2179 104
5 ન્યૂ ઝીલૅન્ડ 22 2121 96
6 શ્રીલંકા 18 1501 83
7 વેસ્ટ ઇન્ડિઝ 26 1192 77
8 પાકિસ્તાન 20 1323 76
9 બાંગ્લાદેશ 20 1323 66
10 આયરલૅન્ડ 5 131 26
11 ઝિમ્બાબ્વે 3 11 4
12 અફઘાનિસ્તાન 3 0 0