સ્પોર્ટસ

પાકિસ્તાનના છેલ્લા છ બૅટ્સમેન વચ્ચે બન્યા માત્ર ત્રણ રન, ન્યૂ ઝીલૅન્ડ સામે પહેલી વન-ડે હાર્યું…

રિઝવાનની ટીમે છેલ્લી સાત વિકેટ 22 રનમાં ગુમાવી

નૅપિયરઃ ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધા પછી હવે એની સામેની વન-ડે (ODI Series) શ્રેણીમાં પણ વિજયી શરૂઆત કરી છે જેમાં આજે માઇકલ બ્રેસવેલના સુકાનમાં કિવીઓએ મોહમ્મદ રિઝવાનની ટીમને પહેલી વન-ડેમાં 73 રનથી પરાજિત કરી હતી. નવાઈની વાત એ છે કે પાકિસ્તાને છેલ્લી સાત વિકેટ માત્ર બાવીસ રનમાં ગુમાવી હતી અને તળિયાના (6-11 નંબરના) છ બૅટ્સમેન વચ્ચે માત્ર ત્રણ રન થયા હતા.

2008માં હરારેમાં શ્રીલંકા સામે ઝિમ્બાબ્વેના આખરના છ બૅટ્સમેન વચ્ચે એક પણ રન નહોતો બન્યો અને એ રીતે ઝિમ્બાબ્વે આ ખરાબ રેકૉર્ડ-બુકમાં પ્રથમ સ્થાને છે. 2011માં હમ્બનટૉટામાં કેન્યા સામે પાકિસ્તાનના છેવટના છ બૅટ્સમેન વચ્ચે કુલ ફક્ત બે રન થયા હતા. હવે જ્યારે પાકિસ્તાનના અંતિમ છ બૅટ્સમેન ત્રણ રન બનાવી શક્યા એટલે તેઓ આ રેકૉર્ડ-બુકમાં ત્રીજા સ્થાને છે.

પાકિસ્તાને બૅટિંગ આપ્યા પછી ન્યૂ ઝીલૅન્ડે નવ વિકેટે 344 રન બનાવ્યા હતા જેમાં માર્ક ચૅપમૅન (132 રન, 111 બૉલ, છ સિક્સર, તેર ફોર)નો સૌથી મોટો ફાળો હતો. ડેરિલ મિચલે (76 રન, 84 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને મુહમ્મદ અબ્બાસ (બાવન રન, 26 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા. પાકિસ્તાન વતી પેસ બોલર ઇરફાન ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

મોહમ્મદ રિઝવાનની ટીમ જવાબમાં 44.1 ઓવરમાં 271 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બાબર આઝમ (78 રન, 83 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને સલમાન આગા (58 રન, 48 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સિવાય બીજો કોઈ બૅટર 40 રન પણ નહોતો બનાવી શક્યો. પેસ બોલર નૅથન સ્મિથે (Nathan Smith) સૌથી વધુ ચાર વિકેટ અને જૅકબ ડફીએ બે વિકેટ લીધી હતી.

માર્ક ચૅપમૅન (Mark Chapman)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.


પાકિસ્તાનના છેલ્લા છ બૅટ્સમેનના સ્કોર્સ

(1) તૈયબ તાહિર, એક રન, રનઆઉટ
(2) ઇરફાન ખાન, ઝીરો, ક્લીન બોલ્ડ
(3) નસીમ શાહ, ઝીરો, કૅચઆઉટ
(4) હૅરિસ રઉફ, એક રન, કૅચઆઉટ
(5) અકીફ જાવેદ, એક રન, કૅચઆઉટ
(6) મોહમ્મદ અલી, ઝીરો, અણનમ

આ પણ વાંચો : રોહિત, તિલક, સૂર્યાએ મજાકમાં કોને ટિંગાટોળી કરીને સ્વિમિંગ-પૂલમાં ફેંકી દીધો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button