પાકિસ્તાન ચેતી જાયઃ સૂર્યકુમાર કહે છે, ` અમે આક્રમક મૂડમાં રમીશું જ’

દુબઈઃ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં બુધવારે યુએઈ સામેની મૅચ પછી રવિવારે પાકિસ્તાન સામે થનારા મુકાબલા વિશે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav)નું મોટું નિવેદન સોશ્યલ મીડિયામાં અને ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યું છે જેમાં જીતવા માટે ભારતીય ખેલાડીઓ મેદાન પર આક્રમક અભિગમ તો અપનાવશે જ, એવું સૂર્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.
સૂર્યકુમારે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે તેની ટીમ રવિવારે દુબઈ (DUBAI)માં પાકિસ્તાન સામેની હાઈ-વૉલ્ટેજ મૅચ દરમ્યાન આક્રમક વલણ અપનાવવામાં જરાય પાછીપાની નહીં કરે.
કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હિન્દુ સહેલાણીઓની કત્લેઆમ કરી ત્યાર બાદ ભારતના સશસ્ત્ર દળોએ ત્રણ દિવસના ટૂંકા યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનમાં અનેક સ્થાનો પર હુમલા કરીને પાકિસ્તાનની બોલતી તો બંધ કરી દીધી છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદીઓના ભારતીય સૈનિકો પરના હુમલા હજી ચાલુ જ છે. આ જોતાં સ્વાભાવિક રીતે ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનીઓ સામે પૂરા જોશ-ઝનૂનથી રમશે જ અને એ માટે ભારતીય ખેલાડીઓમાં આક્રમક અપ્રોચ હોવો જરૂરી છે.
પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા (Salman Agha)એ પણ પોતાના સાથીઓને આક્રમકતા જાળવી રાખવાની સૂચના આપી હોવાનું મનાય છે. જોકે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે રવિવારની મૅચ દરમ્યાન તમારી ટીમના ખેલાડીઓની મનઃસ્થિતિ કેવી રહેશે? સૂર્યકુમારે તરત જ કહ્યું,
આવી હાઈ-વૉલ્ટેજ મૅચમાં આક્રમક અભિગમ તો અપનાવવો જ જોઈએને. એના વગર કેમ ચાલે. આ રમત આક્રમકતા વિના રમી જ ન શકાય. હું આ મૅચમાં હરીફોને માત આપવા ખૂબ રોમાંચિત અને તત્પર છું.’
એશિયા કપમાં ભારતની પ્રથમ મૅચ બુધવારે દુબઈમાં યુએઇ સામે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે, જ્યારે પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો શુક્રવારે દુબઈમાં (રાત્રે 8.00 વાગ્યાથી) ઓમાન સામે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારની લીગ મૅચ ઉપરાંત સુપર-ફૉર રાઉન્ડમાં તેમ જ ફાઇનલમાં પણ ટક્કર થવાની સંભાવના છે.
આ પણ વાંચો…આજથી યુએઈમાં ટી-20નો એશિયન જંગ