પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
કરાચીઃ પાકિસ્તાને ફેબ્રુઆરીની વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી પોતાને ત્યાં યોજવા ત્રણ શહેરમાં સ્ટેડિયમોના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન કરે એ મુદ્દે પાકિસ્તાનને આ સ્પર્ધા રદ કરવી પરવડે એમ નથી. એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હઠ લઈને બેઠું છે કે એને ભારતની સુવિધા માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથી જ. એ જોતાં આ સ્પર્ધા યોજાશે કે કેમ એમાં શંકા છે.
આઇસીસીની આજે વર્ચ્યુઅલ બોર્ડ મીટિંગ યોજાવાની છે જેમાં આ સ્પર્ધાનું ભાવિ લગભગ નક્કી થઈ જશે.
પીટીઆઇના અહેવાલ મુજબ પીસીબીએ આઇસીસીને કહી દીધું છે કે `તમે શુક્રવારની બેઠકમાં હાઇબ્રિડ મૉડેલના મુદ્દે ચર્ચા કરતા જ નહીં, કારણકે અમે ભારત માટે કોઈ સગવડભરી પદ્ધતિ અપનાવાય એવું અમે નથી ઇચ્છતા.’
આ પણ વાંચો: શ્રીલંકાને દાઝ્યા પર ડામઃ 42 રનમાં આઉટ અને 100 વર્ષના ઇતિહાસનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ
પીસીબીનો આગ્રહ છે કે હાઇબ્રિડ મૉડેલને બદલે બીજા કોઈ વિકલ્પ પર ચર્ચા થવી જોઈએ.
જોકે ક્રિકેટજગતના સૌથી શ્રીમંત બીસીસીઆઇનો આગ્રહ છે કે હાઇબ્રિડ મૉડેલ જ એકમાત્ર ઉપાય છે. જો આ પદ્ધતિ અપનાવાશે તો ભારતની મૅચો મોટા ભાગે દુબઈમાં રમાશે.